આ દિવાળી પર અયોધ્યા બનાવશે અનોખો વિશ્વ રેકોર્ડ…
અયોધ્યા: અયોધ્યામાં આ વર્ષે દિવાળી પર 24 લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટોને રોશન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અયોધ્યાની દિવીળીને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૈડીના 51 ઘાટો પર સ્વયંસેવકો હાજર રહેશે. જો કે અયોધ્યમાં સરકાર દ્વારા 21 લાખ દીવા પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. એટલે એ એક રેકોર્ડ તો બનશે જ પરંતુ આ દીવા પ્રજ્જવલિત કરવા માટે 25,000થી વધુ સ્વયં સેવકો ખડે પગે રહેશે અને આ એક અનોખો વિશ્વ રેકોર્ડ બનશે.
સ્વયંસેવકો અને સંયોજકોની દેખરેખ હેઠળ તમામ ઘાટ પર 60 થી 70 ટકા દીવા પહેલેથી જ મૂકી દેવામાં આવ્યા છે. દિપાવલીના તહેવારને અલૌકિક અને ઐતિહાસિક બનાવવા માટે જાણે દરેક અયોધ્યા વાસીએ કમર કસી છે.
જો કે દીવા પ્રગટાવવાની જવાબદારીઓ નિભાવતા અધિકારીઓને જ ઘાટ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, જ્યારે સ્વયંસેવકો અને અન્ય લોકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ સાથે જ દીપોત્સવ સ્થળે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. સ્વંયસેવકોએ અને જે પણ જવાબદારીમાં નિયુક્ત કરાયેલા હોય એ તમામ લોકોએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે.
સ્વયંસેવકો માટે દીવા પ્રગટાવવા માટે 2.5 ફૂટ જગ્યા અલગ રાખવામાં આવી છે અને 16 બાય 16 (256) લેમ્પના બ્લોક માટે 4.50 બાય 4.50 ચોરસ ફૂટ જગ્યા અલગ રાખવામાં આવી છે. તમામ ઘાટ પર દીવા લગાવવાનું કામ આજ રોજ પૂરું કરવામાં આવશે. અને 10 નવેમ્બરના એટલે કે શુક્રવારના રોજ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા દીવાઓની ગણતરી કરવામાં આવશે.
આ તમામ કાર્ય માટે ખાસ કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી હતી જેમકે દીપોત્સવના દિવસે સ્વયંસેવકો અને ઘાટ પ્રભારીઓએ સુતરાઉ વસ્ત્રો પહેરવાના રહેશે તેમજ દરેક જોવા આવનાર દરેક વ્યક્તિને અમુક અંતરે જ ઊભા રહેવાનું રહેશે. નોંધનીય છે કે સ્વયંસેવકો માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.