નેશનલ

જાતિ આધારિત સર્વે જાહેર કરવો કે નહીં એની ચિંતા વધારેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: જાતિ સર્વેક્ષણની માન્યતા સામે દાખલ કરાયેલી અનેક અરજીઓ પર સુનાવણી કરતી વખતે ,સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે રાજ્ય સરકાર અથવા કોઈ પણ સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં દખલ કરી શકે નહીં. અને સુપ્રીમ કોર્ટે બિહારની જાતિની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવાનો કે પછી સરકારને તે આંકડાઓ અંગે કોઈ પણ પ્રકારના પગલાં લેવાથી રોકવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહયું હતું કે સર્વે કરવા કરતા સર્વે જાહેર કરવો કે નહિ તેની વધારે ચિંતા છે અમને. આ સુનાવણી પહેલા બિહાર સરકારે 2 ઓક્ટોબરના રોજ જાતિ સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર પાસેથી ચાર સપ્તાહમાં અરજીઓ પર જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 29 જાન્યુઆરી બાદ શરૂ થતા અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે.

અરજીકર્તાઓ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારે કોર્ટમાં સુનાવણી દરમિયાન ડેટા જાહેર કર્યો હતો. તેના પર જસ્ટિસ સંજીવ ખન્નાએ બિહાર સરકારને પૂછ્યું કે તમે ડેટા કેમ જાહેર કર્યો? બિહાર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે કોર્ટ આ કેસમાં નોટિસ જારી કરશે કે નહીં તે નક્કી કરવાનું બાકી છે. ત્યારે વકીલે એવી દલીલ કરી હતી કે આનો અર્થ એ થયો કે કોર્ટ દ્વારા ડેટા પ્રકાશિત કરવા પર કોઈ પ્રતિબંધ નથી.

અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે જલ્દીથી તેની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે આ મામલાને 29 જાન્યુઆરીથી શરૂ થતા અઠવાડિયામાં સુનાવણી માટે લઈશું. સુનાવણી દરમિયાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે અમે એ બાબતના કારણે વધુ ચિંતિત છીએ કે સર્વેક્ષણના ડેટાને વર્ગીકૃત કરીને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવો જોઈએ કે નહિ.

નોંધનીય છે કે અગાઉ જાતિ સર્વેક્ષણના મામલાને પટણા હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. પરંતુ રાજ્ય સરકારે કોર્ટમાં કલેકશન ઓફ સ્ટેટિસ્ટિક્સ એક્ટને ટાંકીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારને જાતિ સહિત દરેક પ્રકારની વસ્તી ગણતરી અને સર્વે કરવાનો અધિકાર છે.

બિહાર સરકારે ‘સર્વે’ શબ્દના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ત્યારે 1 ઓગસ્ટ 2023ના રોજ પટણા હાઇ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જાતિ સર્વેક્ષણ કરવું માન્ય અને સંપૂર્ણપણે કાયદેસર છે. ત્યારબાદ પટણા હાઈ કોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજદારો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button