‘…ખેડૂતોને જેલના સળિયા પાછળ મોકલો’ મુખ્ય ન્યાયધીશ બીઆર ગવાઈએ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: દર વર્ષે શીયાળાની ઋતુ શરુ થતા જ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ જોખમી સ્તરે પહોંચી જતું હોય છે, પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને કારણે નીકળતો ધુમાડો દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ માટે મુખ્ય કારણમાંનું એક છે.
દિલ્હીમાં પ્રદૂષણ કાબુમાં લેવા સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આજે બુધવારે કહ્યું કે, પરાળી બાળવાવાળા કેટલાક ખેડૂતોને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ, જેથી અન્ય લોકોને કડક સંદેશ મળે.
આપણ વાંચો: પાટનગર ‘પ્રદૂષણ’થી તો પંજાબ ‘પરાળી સળગાવવા’થી પરેશાન
ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે જણાવ્યું કે પરાળીનો અન્ય રીતે નિકાલ કરવા માટે ખેડૂતોને સબસિડી અને સાધનો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ખેડૂતો માની નથી રહ્યા.
અપરાજિતા સિંહે કોર્ટને કહ્યું, “છેલ્લી વખતે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને એવા સમયે પરાળી બાળવાનું કહેવામાં આવ્યું હતું જ્યારે ઉપગ્રહ તે વિસ્તાર પરથી પસાર ન થતો હોય. મને કહેતા દુઃખ થાય છે કે 2018 થી સુપ્રીમ કોર્ટે ઘણા આદેશો આપ્યા છે. ખેડૂતો કોર્ટ સમક્ષ પોતે લાચાર હોવાનો દાવો કરે છે.”
આપણ વાંચો: પાકિસ્તાનની હવા ‘નાપાક’: દિલ્હીમાં વધાર્યું પ્રદૂષણ, લાહોરમાં AQ ઈન્ડેક્સ 2,000ને પાર
‘ખેડૂતો સામે કાર્યવાહી કરો’
આ સાંભળીને મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ પૂછ્યું કે આ મુદ્દાને ઉકેલવા માટે અધિકારીઓ કોઈ દંડનીય કાર્યવાહી કેમ નથી કરી રહ્યા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “જો કેટલાક લોકો જેલના સળિયા પાછળ મોકલવામાં આવશે, તો અન્ય લોકોને કડક સંદેશ મળતો રહેશે. તમે ખેડૂતો સામે કાર્યવાહી કરવા કેમ નથી વિચારી રહ્યા? જો તમે ખરેખર પર્યાવરણનું રક્ષણ કરવાનો ઇરાદો ધરાવતા હોય, તો પછી શા માટે અચાકાઈ રહ્યા છો?”
જો કે મુખ્ય ન્યાયાધીશે એમ પણ કહ્યું કે ખેડૂતો ખુબ જ મહત્વનું યોગદાન આપે છે અને તેમના કારણે આપણને ભોજન મળે છે… પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ ખોટો લાભ ઉઠાવે.