
કેરળના એર્નાકુલમમાં ખ્રિસ્તી સમુદાયના યહોવા કોમ્યુનિટીની પ્રાર્થના સભા જ્યાં યોજાઇ હતી ત્યાં કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીએ પોતાનો કેસ પોતે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આરોપી ડોમિનિક માર્ટિનને એર્નાકુલમ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે કોર્ટે તેને કાયદાકીય મદદ માટે પૂછ્યું હતું. ત્યારે ડોમિનિકે એમ કહીને ના પાડી દીધી કે તે પોતાનો કેસ પોતે લડવા માંગે છે. અને તેનું કારણ આપતાં તેણે કહ્યું કે તે પોતાની વાતને અને પોતાના પક્ષને એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરવા ઇચ્છે છે. ત્યારબાદ કોર્ટે તેને 29 નવેમ્બર સુધી એર્નાકુલમ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો.
કેરળના એર્નાકુલમમાં યહોવાના ખ્રિસ્તી સમુદાયના કન્વેન્શન સેન્ટરમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં 3 લોકોના મોત થયા હતા. આ ઘટનાના થોડા કલાકો બાદ જ ડોમિનિક માર્ટિન નામના વ્યક્તિએ થ્રિસુર જિલ્લાના કોડકારા પોલીસસ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, અને દાવો કર્યો હતો કે તેણે જ કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ મૂક્યો હતો. તેમજ આત્મસમર્પણ કરતા પહેલા પણ તેને સોશિયલ મીડિયા પર લાઈવ આવીને બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી અને બ્લાસ્ટ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું.
ડોમિનિક માર્ટિને દાવો કર્યો હતો કે તે પણ ખ્રિસ્તી ધર્મના યહોવા કમુનિટીની વિચારધારા ગમતી નથી. તેના મતે આ કોમ્યુનિટી દેશ માટે ખતરો છે. કારણ કે તે લોકો દેશના યુવાનોના મનમાં ઝેર ભરી રહ્યા છે. અને એટલા માટે તેણે તેમની પ્રાર્થના સભા દરમિયાન બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો.
ડોમિનિક માર્ટિને પણ લાઈવ દરમિયાન કહ્યું હતું કે તે લોકો નાના બાળકોના મનમાં પણ ઝેર ભરી રહ્યા છે. તેમની વિચારધારા ખોટી છે. તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે.
નોંધનીય છે કે યહોવા કોમ્યુનિટી ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતની કુલ વસ્તીમાં ખ્રિસ્તીઓની સંખ્યા લગભગ 2.8 કરોડ છે. પરંતુ આમાં ફક્ત 60 હજાર યહોવાના લોકો છે. આખા ભારતમાં યહોવાની વસ્તી 1 લાખથી પણ ઓછી છે.