ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં અપીલ માટેની લઘુતમ મર્યાદા વધારી
નવી દિલ્હી: આવકવેરા ખાતાએ ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખાતા દ્વારા કરવામાં આવતી અપીલના લઘુતમ સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ) દ્વારા બહાર પાડવામાં આવેલા સરક્યુલર મુજબ વિવાદિત રકમ રૂ. 60 લાખ, રૂ. બે કરોડ અને રૂ. પાંચ કરોડથી વધુ હોય તેવા કિસ્સામાં આવકવેરા ખાતું અનુક્રમે આઈટીએટી, હાઈ કોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે 2019માં સરકારે અપીલ દાખલ કરવા માટે અનુક્રમે રૂ. 50 લાખ, રૂ. એક કરોડ અને રૂ. બે કરોડની મર્યાદા રાખી હતી.
સીબીડીટીએ એમ પણ કહ્યું છે કે અપીલ/એસએલપી (સ્પેશિયલ લીવ પિટિશન) દાખલ કરવા માટેની આર્થિક મર્યાદા ટીડીએસ/ટીસીએસ સહિત બધા જ પ્રકારના કેસમાં લાગુ પડશે.
આપણ વાંચો: પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ટ્રિબ્યુનલ, હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એસએલપી/અપીલ જે આ મર્યાદાથી ઓછી રકમની હશે તેને પાછી ખેંચી લેવામાં આવશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ ધ્યાનમાં રાખવું કે અનાવશ્યક અદાલતી વિવાદ ઘટાડવાના અને ટેક્સપેયરને આવકવેરાની આકારણીમાં ચોકસાઈ કરવાના હેતુથી આ પગલાં લેવામાં આવ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટના ભાષણમાં 23 જુલાઈએ કહ્યું હતું કે સીધા વેરા, એક્સાઈઝ, સર્વિસ ટેક્સ વગેરે માટે અપીલ દાખલ કરવાની આર્થિક મર્યાદામાં વધારો કરવામાં આવશે. (પીટીઆઈ)