ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
મુંબઈ: ઑનલાઈન ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદ કરવાને બહાને વિલેપાર્લેની ગુજરાતી ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બૅન્ક અધિકારીના સ્વાંગમાં ઠગે ફરિયાદીના મોબાઈલનું એક્સેસ મેળવી બે બૅન્ક ખાતા અને એક ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
વિલેપાર્લે પૂર્વના કુંકુવાડી પરિસરમાં રહેતી 40 વર્ષની ફૅશન ડિઝાઈનરની ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે રવિવારે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઑનલાઈન ઈન્કમ ટૅક્સ ભરવાના પ્રયાસમાં 2.62 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પણ વાંચો : કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા
ફરિયાદી 31 જુલાઈએ ઈન્કમ ટૅક્સનો ચેક બૅન્કમાં ભરવા ગઈ હતી, પરંતુ સર્વર ડાઉન હોવાથી તે સમયે રૂપિયા ટ્રાન્સફર કરવા શક્ય ન હોવાનું બૅન્ક અધિકારીએ કહ્યું હતું. સાંજે ચાર વાગ્યા સુધી ઈન્કમ ટૅક્સ ભરવામાં ન આવતાં પૅનલ્ટીથી બચવા ફરિયાદીએ આવકવેરા ભરવા સંબંધી માહિતી મેળવા ગૂગલમાં સર્ચ કર્યું હતું.
ઈન્ટરનેટ પરથી મળેલા નંબર પર ફરિયાદીએ કૉલ કરતાં સામે છેડેથી ફોન કટ કરવામાં આવ્યો હતો. બાદમાં ફરિયાદીનું જે બૅન્કમાં ખાતું છે તેના પ્રતિનિધિના સ્વાંગમાં આરોપીએ ફરિયાદીને કૉલ કર્યો હતો. ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદ કરવાને બહાને આરોપીએ ફરિયાદીના મોબાઈલનું એક્સેસ મેળવ્યું હતું.
વાતચીતમાં પરોવી રાખી ફરિયાદીનાં બે બૅન્ક ખાતાં અને ક્રેડિટ કાર્ડમાંથી આરોપીએ 2.62 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.