કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા
કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં આવેલી નામાંકિત શાળાના 13 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે તેના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પરિવારે કર્યો છે.
મૃતકની ઓળખ વિઘ્નેશ પાત્રા તરીકે થઇ હોઇ તે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રવિવારે વિઘ્નેશના પિતા પ્રમોદ કુમાર કામે ગયા હતા, જ્યારે માતા અને બહેન કામ નિમિત્તે બહાર ગઇ હતી. પિતા ઘરે પાછા ફર્યા ત્યારે વિઘ્નેશ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ જોઇ ચોંકી ઊઠેલા પિતાએ બૂમાબૂમ કરી મૂકતાં પડોશીઓ ત્યાં દોડી આવ્યા હતા અને બાદમાં આની જાણ કોલસેવાડી પોલીસને કરવામાં આવી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં કોલસેવાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વિઘ્નેશને નીચે ઉતાર્યા બાદ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તબીબોએ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. વિઘ્નેશના મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો.
આ પણ વાંચો: હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….
વિઘ્નેશે મૃત્યુ પૂર્વે ચીઠ્ઠી લખી રાખી હતી, જેમાં શાળાની દીપિકા નામની શિક્ષિકા અને એક છોકરો તેને ત્રાસ આપી રહ્યા હોવાથી કંટાળીને પોતે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે ચીઠ્ઠીમાં એવું પણ લખ્યું હતું કે મારા જવાથી તમારો ખર્ચ ઓછો થઇ જશે.
કોલસેવાડી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ સિનિયર ઇન્સ્પેક્ટર અશોક કદમના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કલ્યાણ નજીક વરપ ખાતે આવેલી શાળાના સંચાલકોની મનમાનીથી કંટાળીને અનિશ દળવી નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. ટિટવાલા પોલીસે આ પ્રકરણે શાળાના સંચાલક અલ્વિન એન્થોનીની ધરપકડ કરી હતી.