હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….
સુરત: શહેરનો હીરા ઉદ્યોગ (Suarat Diamond Industry) છેલ્લા ઘણા સમયથી મુશ્કેલ પરિસ્થિતિનો સમાનો કરી રહી છે, આ સાથે જ ઘરેણાઓમાં ચમકતા ડાયમંડને ચમકાવવા વાળાઓનું જીવન અંધકારમય બની રહ્યું છે. હીરાના કારીગરોની નોકરીઓ છીનવાઈ રહી છે. એવામાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (DWUG) દ્વારા શરૂ આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ આ હેલ્પલાઇન પર છેલ્લા 20 દિવસમાં 1,500 જેટલા કોલ આવ્યા છે, હેલ્પલાઇન પર સરેરાશ એક દિવસમાં 75 કોલ મળી રહ્યા છે.
મંદી વચ્ચે હીરાના કામદારોને કામ ન નથી મળી રહ્યું, જેને કારણે કામદારોને પરિવારનું ગુજરાન ચાલવવું મુશ્કેલ થઇ પડ્યું છે. કામદારો તણાવ અને ડીપ્રેશન અનુભવી રહ્યા છે. તેમાંથી ઘણા હેલ્પલાઈન પર ફોન કરી રહ્યા છે.
પરિસ્થિતિને સમજીને હીરાના વેપારીઓ અને સંસ્થાઓએ આ હીરા કામદારોના પરિવારોને મદદ કરવાનું શરૂ કર્યું છે. DWUG એ અત્યાર સુધીમાં લગભગ 100 પરિવારોને રાશન કીટ આપીને મદદ કરી છે જેમાં દરેકમાં 20 કિલો ઘઉં, 5 કિલો ચોખા, 5 લિટર તેલ, ખાંડ, કઠોળ, ચણા અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
રવિવારે હીરા ઉદ્યોગપતિ લાલજી પટેલ, તુલસી ગોટી અને જયેશ સુતરિયાએ ભારતીય ડાયમંડ સંસ્થાના પ્રમુખ દિનેશ નાવડિયાની હાજરીમાં 35 પરિવારોને સ્કૂલ ફીના ચેકનું વિતરણ કર્યું હતું.
DWUGએ જણાવ્યું હતું કે, “અમારી હેલ્પલાઇન વિશે જાણ્યા પછી, લાલજી પટેલે અમને ફોન કર્યો અને એવા માતા-પિતાની વિગતો માંગી જેઓ તેમના બાળકોની ફી ભરવા સક્ષમ નથી. અમે તેને વિગતો આપી. અમે 35 પરિવારોને 5 લાખ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું (દરેક રૂપિયા 15,000). તેમાં એવા કેટલાક લોકોનો સમાવેશ થાય છે જેમના પરિવારના સભ્યો આત્મહત્યા દ્વારા મૃત્યુ પામ્યા હતા.”
DWUGએ જણાવ્યું કે મદદ પૂરતી નથી કારણ કે વધુને વધુ હીરા કામદારો હેલ્પલાઇન પર ફોન કરી રહ્યા હતા. શરૂઆતમાં અમને ઓછા કોલ્સ આવ્યા હતા. પરંતુ હવે કોલ્સની સંખ્યા વધવા લાગી છે. જરૂરિયાતમંદોને મદદ કરવા માટે વધુ ઉદ્યોગપતિઓએ આગળ આવવું જોઈએ.