આવતીકાલે નકસલગ્રસ્ત રાજ્યમાં પહેલા તબક્કાનું થશે મતદાન
૨૨૩ ઉમેદવારનું ભાવિ કેદ થશે, 25,000થી વધુ કર્મચારીને તહેનાત
રાયપુરઃ છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની ૨૦ બેઠક માટે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન થશે. મતદાનની વ્યવસ્થામાં ૨૫,૨૪૯ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોન્ટા નામની ૧૦ બેઠક પર સવારે ૭ થી બપોરે ૩ વાગ્યાની વચ્ચે મતદાન થશે. જ્યારે ખૈરાગઢ, ડોંગરગઢ, રાજનાંદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, પંડારિયા અને કવર્ધા બસ્તર, જગદલપુર અને ચિત્રકોટમાં સવારે ૮ થી સાંજે ૫ વાગ્યાની વચ્ચે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૨૫ મહિલાઓ સહિત ૨૨૩ ઉમેદવારનું ભાવિ અંદાજિત ૪૦,૭૮,૬૮૧ મતદાર દ્વારા નક્કી કરવામાં આવશે.
પ્રથમ તબક્કા માટે ૫૩૦૪ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી(સીઇઓ)ના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર પ્રથમ તબક્કાના મતદાન માટે ૨૫,૪૨૯ પોલિંગ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત બસ્તર ડિવિઝનના ૧૨ મતવિસ્તારોમાં ચૂંટણીના સુચારુ સંચાલન માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ૪૦,૦૦૦ સહિત ૬૦,૦૦૦ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૦ બેઠકમાંથી ૧૨ અનુસૂચિત જનજાતિ માટે અને એક અનુસૂચિત જાતિ માટે અનામત છે. સૌથી વધુ ઉમેદવારો રાજનાંદગાંવ મતવિસ્તારમાં(૨૯) છે જ્યારે સૌથી ઓછા ઉમેદવારો ચિત્રકોટ અને દંતેવાડા બેઠકો પર સાત-સાત છે.
કોંગ્રેસ પાસે આ ૨૦માંથી ૧૯ બેઠકો છે, જેમાં પેટાચૂંટણીમાં જીતેલી બે બેઠકોનો સમાવેશ થાય છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ ૨૦માંથી ૧૭ બેઠકો, ભાજપે ૨ અને જનતા કોંગ્રેસ છત્તીસગઢે ૧ બેઠક જીતી હતી. રાજ્યમાં ૯૦ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસ પાસે ૭૧ બેઠકો છે. ૨૦૧૮ની ચૂંટણીમાં ૨૦૦૩થી રાજ્યમાં શાસન કરી રહેલી ભાજપને કારમી હાર આપી હતી.