કર્ણાટકની ઘટના આંખ ખોલનારીઃ ચાલુ બસે ડ્રાયવરે સ્કૂલ સ્ટુડન્ટને દરવાજો બંધ કરવા કહ્યું અને… | મુંબઈ સમાચાર
નેશનલ

કર્ણાટકની ઘટના આંખ ખોલનારીઃ ચાલુ બસે ડ્રાયવરે સ્કૂલ સ્ટુડન્ટને દરવાજો બંધ કરવા કહ્યું અને…

બેંગલુરુ: ઘણી શાળાઓમાં બાળકો માટે સ્કૂલ બસની વ્યવસ્થા હોય છે. સામાન્ય રીતે આ સ્કૂલ બસો શાળા તથા આરટીઓના નિયમો પ્રમાણે ચાલતી હોય છે. પરંતુ તેમ છતા ઘણીવાર અક્સ્માત સર્જાતો હોય છે અને શાળાના વિદ્યાર્થીનો જીવ જોખમમાં મૂકાતો હોય છે. તાજેતરમાં બેંગલુરુની એક શાળામાં સ્કૂલ બસમાંથી નીચે પડતા વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે.

વિદ્યાર્થી નીચે પડ્યો, કોની બેદરકારી?

મગાડી વિસ્તારની એસબીએસ શાળામાં હોસાપલાયાની જનતા કોલોનીના મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન એવો એલ રજત બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રજત સાથે તેની દસ વર્ષીય બહેન દુષિતા પણ અભ્યાસ કરતી હતી. બંને ભાઈ-બહેનને લેવા-મૂકવા માટે સ્કૂલ બસ આવતી હતી. શુક્રવારની સાંજે જ્યારે સ્કૂલ બસ તેઓને મૂકવા આવી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી.

રજત અને દુષિતાનું ઘર સૌથી છેલ્લે આવતું હતું. તેથી તેઓ સૌથી છેલ્લે બસમાંથી ઉતરતા હતા. શુક્રવારની સાંજે જ્યારે બસ તેઓને મૂકવા જતી હતી. ત્યારે બસમાં ડ્રાઈવર આર વિનોદ અને બંને ભાઈ-બહેન હતા. એવા સમયે બસનો દરવાજો અચાનક ખૂલી ગયો હતો. ડ્રાઈવરે રજતને બસનો દરવાજો બંધ કરવા કહ્યું હતું. રજત જ્યારે બસનો દરવાજો બંધ કરવા ગયો ત્યારે તે બસની બહાર ફેંકાઈ ગયો હતો અને બસના પાછળના ટાયર નીચે કચડાઈ ગયો હતો.

બસમાં મહિલા અટેન્ડન્ટની ગેરહાજરી

ડ્રાઈવર વિનોદ રજતને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં રજતનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે વિનોદની ધરપકડ કરીને અજાણતાં થયેલી હત્યાનો ગુનો નોંધ્યો છે. કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

રજતના મૃત્યુ અંગે તપાસ અધિકારીએ જણાવ્યું કે, “બસમાં બાળકોની દેખરેખ રાખવા માટે એક મહિલા અટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવેલ છે. પરંતુ દુર્ઘટનાના દિવસે તે રજત અને દુષિતાના પહેલા જ બસમાંથી ઉતરી ગઈ હતી.”

ઉલ્લેખનીય છે કે, દુર્ઘટનામાં બસ ડ્રાઈવર વિનોદની બેદરકારી સામે આવી છે. કારણ કે, દરવાજો સરખી રીતે બંધ છે કે નહી એ વિનોદે જોયું ન હતું. આ સિવાય તેણે વિદ્યાર્થીને ચાલુ બસમાં બસનો દરવાજો બંધ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો…Junagadh હાઇવે પર ગંભીર અક્સ્માત, સાત લોકોના કરૂણ મોત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button