બિહારના મુખ્ય પ્રધાને વિધાન પરિષદનું ચોથી વખત ફોર્મ ભરીને સૌને ચોંકાવ્યા!

પટણાઃ બિહારમાં રાજકીય ઉથલપાથલનો દોર યથાવત છે, જેમાં ભાજપમાં જોડાયા પછી ફરી મુખ્ય પ્રધાન બનેલા બિહારના દિગ્ગજ નેતા નીતીશ કુમારે આજે વિધાન પરિષદ (Member of Legislative Council)નું ચોથી વખત ફોર્મ ભર્યા પછી ચર્ચાનું કારણ બન્યા છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાન પરિષદમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે લલન સિંહ, અશોક ચૌધરી અને અન્ય લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સહિત ઘણા એમએલસીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બિહાર વિધાનસભા પરિષદની ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલા યોજાવાની છે, જેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. વિધાનસભાના ક્વોટામાંથી 11 બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
નીતીશ કુમારે સતત ચોથી વખત વિધાન પરિષદના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા અને જેડીયુ (જનતા દળ-યુનાઈટેડ)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ સહિત એનડીએ નેતાઓની હાજરીમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.
નીતીશ કુમાર ઉપરાંત તેમના કેબિનેટ સાથી સંતોષ સુમન અને જેડીયુ એમએલસી ખાલિદ અનવરે પણ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ચૂંટણી પંચે રાજ્ય વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરી છે જેનો કાર્યકાળ મેમાં સમાપ્ત થાય છે. તેમાંથી ચાર જેડી (યુ) પાસે હતી, જો કે, વિધાનસભામાં તેમનું સંખ્યાબળ ઘટ્યા બાદ પાર્ટીએ બે બેઠકો પરનો દાવો છોડી દીધો છે.