વિદેશી મુસાફરો માટે ખુશખરબ, એક જ દિવસમાં મળી જશે ભારતીય વિઝા!

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વિદેશી મુસાફરો માટે વિઝા પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે યોગ્ય દસ્તાવેજો સબમિટ કરવામાં આવે તો ભારતના વિઝા એક જ દિવસમાં મળી શકશે. આ ઉપરાંત, ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝાની મુદતથી વધુ રોકાતા વિદેશીઓ પર નજર રાખવા માટે નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પગલાથી ભારતમાં પ્રવાસન અને વ્યવસાયિક મુસાફરીને વેગ મળશે.
કેન્દ્ર સરકારે વિઝા ઇશ્યૂ પ્રક્રિયાને સરળ બનાવવા નિયામકીય છૂટછાટની જાહેરાત કરી છે. જો અરજદારના તમામ દસ્તાવેજો નિયમો પ્રમાણે હશે તો વિઝા એક જ દિવસમાં આપી દેવામાં આવશે. આ સાથે, ગેરકાયદેસર પ્રવાસીઓ અને વિઝા ઓવરસ્ટેની સમસ્યા ઉકેલવા માટે બે નવા પોર્ટલ – જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને વિદેશી ઓળખ પોર્ટલ (FIP) – શરૂ કરવામાં આવ્યા છે. આ પોર્ટલો ઇમિગ્રેશન સિસ્ટમને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવશે.
વિઝા કેટેગરીમાં ઘટાડો
વિઝા પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે મુખ્ય વિઝા કેટેગરીની સંખ્યા 26થી ઘટાડીને 22 કરવામાં આવી છે, જ્યારે સબ-કેટેગરી 104થી ઘટીને 69 થઈ છે. આ નિર્ણયથી વિઝા ઇશ્યૂ કરવાનો સમય અઠવાડિયાઓથી ઘટીને એક દિવસથી પણ ઓછો થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે ફોરેનર્સ ડિવિઝનના અધિકારીઓ સાથેની બેઠકમાં આ પગલાની સમીક્ષા કરી અને વિઝા પ્રક્રિયાને આધુનિક બનાવવા પર ચર્ચા કરી.
આ ઉપરાંત ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ (ICP)ની સંખ્યા 2014માં 82થી વધીને હવે 114 થઈ છે. આ ચેક પોસ્ટ્સ પર સ્વચાલિત દસ્તાવેજ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણી જેવી આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ હેઠળ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર પ્રી-વેરિફાઇડ મુસાફરો એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ પર પણ શરૂ થશે.
આ પગલાથી ભારતની વિઝા અને ઇમિગ્રેશન સિસ્ટમ વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનશે. આ નવી સુવિધાઓથી વિદેશી પ્રવાસીઓ અને વ્યવસાયિક મુસાફરોને ભારત આવવામાં સરળતા રહેશે, જેનાથી પ્રવાસન અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે. સરકારનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ભારતની છબીને વધુ મજબૂત કરવાનો છે, જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો…ટ્રમ્પ હવે H 1B વિઝાધારકોને આપશે ઝટકો, નવી પોલિસીથી ભારતીયને પડશે ફટકો