26મી જાન્યુઆરીએ એરપોર્ટ પર બની હતી સૌથી મોટી ભૂલ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દેશના મહાનગરમાં આતંકવાદી હુમલાઓ થવાની શક્યતાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ભૂલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર એક વ્યક્તિ સુરક્ષા બાઉન્ડરી વોલ ઓળંગીને રન-વે પર પહોંચી ગયો હતો.
આ ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે એરપોર્ટની સુરક્ષા લાઇનને વટાવી એક વ્યક્તિ રન-વે પર પહોંચી ગયો હતો, પણ ઘટનાની જાણ થતાં સિક્યોરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક સુરક્ષાકર્મીની બેદરકારીને કારણે વ્યક્તિ રન-વે પર આવી ગયો હતો. આ મામલે વધુ તપાસ કરી સુરક્ષાકર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ મામલે અધિકારીએ કહ્યું હતું કે રન-વે પર અચાનકથી આવી ગયેલો વ્યક્તિ નશામાં હતો. દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાના પાઇલટે તેને શનિવારે રાતે લગભગ 11.30 વાગ્યે રન-વે પર જોયો હતો. ત્યાર બાદ પાઇલટે તરત જ તેની માહિતી એર ટ્રાફિક કંટ્રોલ વિભાગને આપી હતી. આ વ્યક્તિ નશાની હાલતમાં ટેક્સિંગ વખતે વિમાનના સામે આવી ગયો હતો, જેથી આ ઘટનાની માહિતી સીઆઇએસએફને આપવામાં આવી હતી.
રન-વે પર આવેલા વ્યક્તિને પકડીને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને અદાલતે કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ વ્યક્તિ હરિયાણાના નૂહ જિલ્લાનો હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. એરપોર્ટની સુરક્ષામાં થયેલી ગંભીર ભૂલને કારણે પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવા આવી હતી, જેમાં ડ્યૂટી પર તહેનાત એક હેડ કોન્સ્ટેબલની બેદરકારીને લીધે આ ઘટના બની હતી.