ભારતમાં ટેસ્લાનું મીમ્સ સાથે સ્વાગત; આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા

મુંબઈ: વિશ્વના સૌથી ધનાધ્ય વ્યક્તિ ઈલોન માસ્કની માલિકીની પ્રીમીયમ ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચર કરતી કંપની ટેસ્લાનો સત્તાવાર રીતે ભારતમાં પ્રવેશ થઇ ચુક્યો છે. ભારતમાં ટેસ્લા પહેલો શો રૂમ ‘ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર’ ગઈ કાલે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) શરુ (Tesla show room in India) થયું. કંપની નવી દિલ્હી સહિત દેશના અન્ય મુખ્ય મહાનગરોમાં વધુ આઉટલેટ્સ શરૂ કરવા યોજના બનાવી રહી છે, પરંતુ મુંબઈમાં કંપનીનો પહેલો શો રૂમ શરુ થતા જ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવ્યું છે.
મુંબઈમાં શરુ કરવામાં આવેલા શો રૂમમાં કંપનીએ મોડેલ Yના વેરિઅન્ટ્સ રજુ કર્યા છે. લાંબા સમયથી આ કારની રાહ જોઈ રહેલા ભારતીય ચાહકો નિરાશ થયા છે, કારણ કે ટેસ્લાની વેબસાઇટ મુજબ મુજબ, મોડેલ Yના એક વેરિઅન્ટની કિંમત ₹59.89 લાખ અને બીજાની કિંમત ₹67.89 લાખ છે. ભારતમાં આ ભાવ વિશ્વના અન્ય મુખ્ય બજારોથી ઘણો વધારે છે. જો કે ઊંચા ટેક્સ સ્લેબને કારણે ભારતમાં ટેસ્લાની કાર્સનો ભાવ તેની મૂળ કિંમત કરતા બમણો થઇ ગયો છે.
ઊંચા ટેક્સ બાબતે યુઝર્સનું રિએકશન:
હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકો ભાતભાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે પોસ્ટ કરી, “જો તમે ભારતમાં #Tesla Model Y ખરીદો છો, તો તમે કંપનીને લગભગ ₹33 લાખ આપો છો અને સરકારને ₹28 લાખ ટેક્સ ચૂકવો છો. જો આ ટેક્સની ગેરવસૂલી નથી, તો બીજું શું છે?”
અન્ય એક યુઝરે ભારતમાં ઊંચા ટેક્સ સ્લેબની મજાક ઉડાવતા લખ્યું, “કારની કિંમતનો લગભગ અડધો ભાગ ટેક્સમાં જાય છે. ભારતમાં તેન ટેસ્લાને બદલે ‘TAX-LA’ કહેવું જોઈએ.”
ભારતના ટેસ્લા નિષ્ફળ જશે એવી અંદાજ લગાવતા એક યુઝરે લખ્યું, “ઈમ્પોર્ટ ડ્યુટી અને/અથવા અન્ય ટેક્સને કારણે #TeslaModelY ની કિંમત બમણી થઈ ગઈ છે. ખરીદી બાદ તેના પર રોડ ટેક્સ ઈન્સ્યોરન્સ, GST, વગેરે ઉમેરવામાં આવશે. જ્યાં સુધી #Tesla ભારતમાં ઉત્પાદન અથવા ઓછામાં ઓછું એસેમ્બલિંગ શરૂ ન કરે ત્યાં સુધી તે સફળ થશે નહીં.”
ઉંચી કિંમત અંગે યુઝરે લખ્યું, “ટેસ્લા ભારતમાં આવી ગઈ… મધ્યમ વર્ગ કહે છે ‘ભાઈ EMI કેટલી હશે?’ ટેસ્લા એ કહ્યું ‘તમે બસ શોરૂમની બહાર સેલ્ફી લઇ લો.’”
એક યુઝ મુંબઈના ખરાબ રસ્તાઓ અંગે મજાક કરતા કહ્યું, “મુંબઈમાં ટેસ્લાનો શોરૂમ ખુલી ગયો છે… હવે ખાડાવાળા રોડની મજાક ઉડાવવા માટે વધુ સ્માર્ટ કાર છે. શું ટેસ્લા મુંબઈના ખાડા માટે તૈયાર છે?”
એક યુઝરે ભારતમાં ટ્રાફિક જામના દ્રશ્ય સાથે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મના એક સીનનો ફોટો પોસ્ટ કરીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ભારતમાં ટેસ્લાનું એડવાન્સ ઓટોપાયલોટ પણ ગભરાઈ જશે.
એક યુઝરે મુંબઈના ટેસ્લા શોરૂમનો ફોટો એડિટ કરીને બહાર બકરીઓ ઉભી હોય એવું દ્રશ્ય બનાવ્યું, કેમ કે ભારતના રસ્તાના પર પ્રાણીઓ જોવા મળે છે. યુઝરે લખ્યું, “શું ટેસ્લાના નવા મુંબઈ એક્સપિરિયન્સ સેન્ટર માટે આનાથી વધુ પરફેક્ટ ફોટો હોઈ શકે?”
ઓટોમોબાઇલ ક્ષેત્રના નિષ્ણાતોના મતે, ટેસ્લા ભારતમાં સ્થાનિક EV કંપનીઓને સાથે નહીં પણ BMW અને મર્સિડીઝ જેવી પ્રીમિયમ કાર સેગમેન્ટ સાથે સ્પર્ધા કરવા ઉતરી છે, જેથી કારના ઊંચા ભાવ વેચાણને વધુ અસર નહીં કરે, તેના ગ્રાહકો ઉંચી કિંમત આપવા તૈયાર છે.
આ પણ વાંચો…મસ્કનો ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ