
પાકિસ્તાનના પેશાવર શહેરમાં સોમવારની સવારે આતંકવાદી હુમલો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અર્ધસૈનિક દળ, ફેડરલ કૉન્સ્ટેબલરી (FC) ના મુખ્યાલયને કેટલાક સશસ્ત્ર બંદૂકધારીઓએ નિશાન બનાવ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ, ગોળીબારના અવાજની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોનો મોટો કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પેશાવરના ઘણા યુઝર્સે એફસી મુખ્યાલય તરફથી બોમ્બ વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સાંભળ્યો હોવાનો દાવો કર્યો છે. આ હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે.
અહેવાલ અનુસાર, પેશાવરમાં ફેડરલ કૉન્સ્ટેબલરી (FC) મુખ્યાલય પર સોમવારે સવારે 8:10 વાગ્યે હુમલો થયો હતો. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલાની શરૂઆત બે વિસ્ફોટોથી થઈ હતી, ત્યારબાદ હુમલાખોરોએ ગોળીબાર કરીને અફરાતફરી મચાવી દીધી હતી. સુરક્ષા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મુખ્યાલયના પ્રવેશ દ્વાર પર એક આત્મઘાતી હુમલાખોરે પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધો, જેના પછી અન્ય આતંકીઓએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટના બાદ સુનહેરી મસ્જિદ રોડને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો.
હુમલાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા દળોએ ત્વરિત કાર્યવાહી કરી અને સમગ્ર વિસ્તારને કોર્ડન ઓફ કરી દીધો હતો. સુરક્ષા દળોએ સમયસર જવાબી કાર્યવાહી કરીને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ સમગ્ર પરિસરને નિયંત્રણમાં લેવા માટે ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્ટરનેટ પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં સતત ગોળીબારના અવાજો પણ સંભળાઈ રહ્યા હતા, જે અથડામણની તીવ્રતા દર્શાવે છે.
આ હુમલાથી પેશાવરના સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી ચાલુ રાખી છે અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે, જેથી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહે અને અન્ય કોઈ ખતરો ન હોય. આ હુમલા પાછળ કયા સંગઠનનો હાથ છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.



