તેરે સંગ જીના તેરે સંગ મરનાઃ ઉત્તર પ્રદેશમાં રહેતા આ દંપતીએ સાથે રહેવાનું વચન આ રીતે પાળ્યું

લખનઉઃ ઘણીવાર પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો કે પત્નીના પતિએ દસ ટૂકા કરી નાખ્યા કે બન્ને વચ્ચે છૂટાછેડા થયા કે મારામારી થઈ તેવા સમાચારો સાંભળી લગ્નજીવન પરથી વિશ્વાસ ઊડી જાય છે. એકબીજા સાથે સાત જનમ સાથે રહેવાના વચન આપનારાઓ ઘણીવાર સાત વર્ષ કે સાત મહિના પણ સાથે રહી શકતા નથી. ત્યારે જ્યારે કોઈ દંપત્તીના પ્રેમની વાત આવે ત્યારે મન ખુશ થઈ જાય છે. જોકે અહીં કરૂણતા એ છે કે દંપત્તીનું એક સાથે મૃત્યુ થયું છે.
વાત છે ઉત્તર પ્રદેશના આગ્રાના એક મહોલ્લાની છે. અહીં પત્નીના હૃદયરોગના હુમલાથી થયેલા મોતથી પતિ એટલો દુઃખી હતો કે તેણે પણ દમ તોડી દીધો. અહીં આંબેડકર મહોલ્લામાં કમલેશ ઉર્ફે માલૂકી (58) અને તેમનાં પતિ કાશીરામ (65) રહેતા હતા. તેઓ બન્ને કમલેશના માતાની સાથે દસેક વર્ષ પહેલા રહેવા આવ્યા હતા. સોમવારે સવારે કમલેશ ઘરનું કામ કરી રહી હતી ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાનો ઉપડ્યો અને તેણે થોડીવારમાં દુનિયાને અલવિદા કહી દીધું. પત્નીનું અચાનક મોત પતિ કાશીરામ સહન કરી શક્યો નહીં ને તે સતત રડ્યા કરતો હતો.
પડોશી-સંબંધીઓએ તેને ઘણો સંભાળવાની કોશિશ કરી પણ તે અત્યંત ગમગીન થઈ ગયો હતો. દરમિયાન કમલેશના ભાઈ વિજેન્દ્ર, જે દહેરાદુન ખાતે નોકરી કરતો હતો તેની રાહ જોવાઈ રહી હતી. તેને બહેનની મોતના ખબર આપ્યા ને તે આવે એટલે અંતિમ વિદાય કરવામાં આવે તેવું પરિવારે નક્કી કર્યું હતું, પરંતુ પત્ની મર્યાના દસેક કલાક બાદ કાશીરામની તબિયત પણ લથડી અને તેને પણ હૃદયરોગનો હુમલો આવી ગયો અને થોડીવારમાં તે પણ મૃત્યુ પામ્યા. આખો પરિવાર કલાકોમાં બે સ્નેહીજનના મોતથી ગમગીન બની ગયો. વિજેન્દ્રના આવ્યા બાદ મંગળવારે બન્નેની ફતેહાબાદના જોનેશ્વર ઘાટ પર એકસાથે ચિતા સળગી હતી. આ વાત આજુબાજુમાં ફેલાઈ ગઈ હતી.
લગ્નના ફેરા લેતા સમયે એકબીજાનો આજીવન સાથ આપવાના વચન આપવામાં આવે છે ત્યારે આ દંપત્તી 40 વર્ષ સાથે રહ્યું અને તે બાદ એકબીજાથી અલગ ન થવું પડે એટલે એકસાથે યમલોક પણ ગયું. આ સંજોગ હોઈ શકે, પણ ક્યાંક પ્રેમ હોય તો જ આ શક્ય બને છે.