બોલો, હાલ દેશમાં કેટલી Vande Bharat Express ઓપરેશનમાં છે, ખબર છે?
નવી દિલ્હી: દેશમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં કોચને આધુનિક બનાવવામાં આવ્યા પછી આખી રેકને તૈયાર કરવામાં આવી હતી. રાજધાની, શતાબ્દીના યુગ પછી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ની ટ્રેનો લોકપ્રિય બની રહી છે. બેઠક વ્યવસ્થા સહિત ટ્રેનોની સ્પીડને લઈને ચર્ચામાં રહે છે, જેમાં હાલના તબક્કે કેટલી ટ્રેન ઓપરેશનમાં છે તેના અંગે સત્તાવાર સરકારે માહિતી આપી હતી.
વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધારીને ૮૨ કરવામાં આવી છે અને નવી દિલ્હી-મુંબઈ અને નવી દિલ્હી-હાવડા રૂટ પર આ ટ્રેનોની ઝડપ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવા માટે કામ ચાલી રહ્યું હોવાની માહિતી સરકારે બુધવારે સંસદમાં આપી હતી.
વંદે ભારત ટ્રેનોની સેવાઓ અંગે ૧૦ સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના લોકસભામાં લેખિત જવાબમાં, રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં, સમગ્ર ભારતીય રેલ્વેમાં ૮૨ વંદે ભારત ટ્રેન સેવાઓ કાર્યરત છે, જે બ્રોડગેજ (બીજી) ઇલેક્ટ્રિફાઇડ નેટવર્ક ધરાવતાં રાજ્યોમાં જોડાઈ રહી છે.
વંદે ભારત ટ્રેનોમાંથી રાજ્યવાર સરેરાશ આવક જનરેશન પરના પ્રશ્નોના જવાબમાં એમણે જણાવ્યું હતું કે ટ્રેન મુજબ અને રાજ્ય મુજબની આવક જાળવવામાં આવતી નથી. વંદે ભારત ટ્રેનોમાં ઓક્યુપન્સીના પ્રશ્ન પર, એમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, વંદે ભારત ટ્રેનોની કુલ ઓક્યુપન્સી ૯૬.૬૨ ટકા હતી.