‘દારૂ પીનારા-ચિકન ખાનારા માટે જુદા ભગવાન…’ મુખ્ય પ્રધાનના નિવેદનથી તેલંગાણામાં રાજકારણ ગરમાયું

હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ અંગે કરેલી ટીપ્પણીને કારણે વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું કે હિન્દુઓ પાસે દરેક પ્રસંગ માટે એક ભગવાન હોય છે. આ ટીપ્પણી મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતા રેવંત રેડ્ડીની ટીકા કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ રેવંત રેડ્ડી પર પ્રહાર કરી રહ્યા છે.
કોંગ્રેસ કારોબારીની બેઠક દરમિયાન રેવંત રેડ્ડીએ હળવાશભરી શૈલીમાં કહ્યું હતું, “હિંદુ ધર્મમાં કેટલા ભગવાન છે? ત્રણ કરોડ? કેમ? જે લોકો અપરિણીત છે તેમના માટે ભગવાન હનુમાન છે. જે લોકો બે વાર લગ્ન કરે છે તેમના માટે બીજા કોઈ ભગવાન છે. જે લોકો દારૂ પીવે છે તેમના માટે એક ભગવાન છે. યેલમ્મા, પોચમ્મા, મૈસમ્મા. જે લોકો ચિકન ખાય છે, તેમના માટે એક વાગવાન છે. અને જે લોકો દાળ-ભાત ખાય છે તેમના માટે એક ભગવાન, ખરું ને? હિંદુ ધર્મમાં બધા પ્રકારના ભગવાન છે.”
રેવંત રેડ્ડીના આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા, ભાજપ, આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદને તેમને ઘેરવાની તક મળી. તેમણે રેવંત રેડ્ડી પર હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપે ટીકા કરી:
કેન્દ્રીય પ્રધાન અને તેલંગાણા ભાજપના ભૂતપૂર્વ વડા બંદી સંજય કુમારે સોશિયલ મીડિયા પર પર પોસ્ટ કરીને રેવંત રેડ્ડીના નિવેદનની ટીકા કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હિન્દુઓ પ્રત્યે નફરત ધરાવે છે. તેમણે લખ્યું, “રેવંત રેડ્ડીએ પોતે કહ્યું હતું કે કોંગ્રેસ એક મુસ્લિમ પક્ષ છે.”
તેલંગાણા ભાજપ વિધાનસભ્ય રાજા સિંહે કહ્યું કે શું રેવંત રેડ્ડીએ ઓવૈસી સાથે ગઠબંધન કરવા ઉપરાંત ઇસ્લામ ધર્મ કબુલ કરી લીધો છે?
ભાજપ રાજ્ય એકમના પ્રમુખ એન રામચંદ્ર રાવે 3 ડિસેમ્બરના રોજ તેલંગાણામાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
માફીની માંગ:
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ પણ મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીના નિવેદનની ટીકા કરી હતી, અને હિંદુ સમુદાયની માફી માંગવા કહ્યું. વિશ્વ હિન્દુ રક્ષા પરિષદે પણ રેવંત રેડ્ડી પાસેથી આ નિવેદન બદલ બિનશરતી માફીની માંગ કરી છે.
આપણ વાંચો: વંદે માતરમ્ અને આતંકવાદ પર મૌલાના મહેમૂદ મદનીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું



