
હૈદરાબાદ: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં આજે સોમવારે સવારે એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજ્ય સરકારની રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RTC)ની બસ એક કાંકરી ભરેલી ટ્રક સાથે અથડાતા 20 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને ઘણા મુસાફરો ઘાયલ થયા છે.
અહેવાલ મુજબ તેલંગાણાના તંદુર ડેપોની બસ હૈદરાબાદ તરફ જઈ રહી હતી, જેમાં 70 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગે શાની-રવિવારની રજાઓ બાદ શહેર પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને ઓફિસ જનારા લોકો હતા. ચેવેલા મંડલ (બ્લોક) ના મિર્ઝાગુડા ગામ નજીક રોડ પર સામેથી આવતા ટ્રક સાથે બસ અથડાઈ અને પલટી ગઈ.
બસ પર કાંકરીનો ઢગલો થઇ ગયો:
આ અકસ્માત વધુ ગંભીર એટલે બન્યો કેમ કે ટ્રકમાં લદાયેલી કાંકરી બસ ઢગલો થઇને પડી, જેના કારણે કેટલાક જીવિત મુસાફરો પણ નીચે દટાઈને મૃત્યુ પામ્યા. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે મુસાફરો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, સ્થાનિક લોકો બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. ત્યાર બાદ ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કાટમાળ હટાવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્રણ જેસીબી એક્સકેવેટરની મદદ લેવી પડી હતી.
મૃત્યુઆંક વધવાની શક્યતા:
પોલીસના જણાવ્યા મુજબ કે આ અકસ્માતમાં RTC બસ અને ટ્રકના ડ્રાઇવરો મૃત્યુ પામ્યા, મૃતકોમાં એક દસ મહિનાનું બાળક અને તેની માતાનો સમાવેશ થાય છે. ઘાયલોને ચેવેલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને હૈદરાબાદની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધુ વધી શકે છે.
અકસ્માતને કારણે હૈદરાબાદ-બીજાપુર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
મુખ્ય પ્રધાને શોક વ્યક્ત કર્યો;
તેલંગાણાના મુખ્ય પ્રધાન એ રેવંત રેડ્ડીએ આ અકસ્માત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને તાત્કાલિક બચાવ અને રાહત પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.



