તેજસ્વી યાદવ RJD વિધાનસભા દળના નેતા, 3 બેઠક પરના ચોંકાવનારા પરિણામ

નવા ચૂંટાયેલા આરજેડી ધારાસભ્યોએ સોમવારે તેજસ્વી યાદવની વિધાનસભા દળના નેતા તરીકે પસંદગી કરી હતી. વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ ૧૪૩ બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી તેણે ૨૫ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
આરજેડી પ્રવક્તા શક્તિ સિંહે જણાવ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ તેજસ્વી યાદવની આરજેડી વિધાનસભા દળના નેતા તરીકે પસંદગી કરી છે. તેમણે કહ્યું કે પાર્ટી અધ્યક્ષ લાલુ પ્રસાદ અને રાબડી દેવી, મીસા ભારતી અને જગદાનંદ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા યાદવ આ ચૂંટણીમાં મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર હતા.
આપણ વાચો: રાઘોપુરની બેઠક પર તેજસ્વી યાદવે સતીશ કુમાર રાયને હરાવ્યાઃ ગઢ બચાવી લીધો પણ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકશાહીમાં એકએક વોટ મૂલ્યવાન છે. કુલ 243 બેઠક માટે થયેલા તીવ્ર ટક્કરમાં મોટા ભાગના મતવિસ્તારોમાં સ્પષ્ટ બહુમતી જોવા મળી હતી, પરંતુ કેટલાક વિસ્તારોમાં પરિણામ ફક્ત થોડા મતોથી નક્કી થયું હતું.
ત્રણ બેઠક પર જીતનું અંતર 100 મતથી પણ ઓછું રહ્યું હતું. બિહારમાં સંદેશ, અગિયાવ અને રામગઢએ ત્રણ વિધાનસભા મતવિસ્તારના નામ માત્ર ચૂંટણી ઇતિહાસના પાનામાં નોંધાયા નથી, પરંતુ ભવિષ્યની ચૂંટણીઓ માટે નેતાઓને એક શીખ પણ મળી છે. આ ત્રણેય બેઠક પર હારજીત 100થી ઓછા મતના માર્જિનથી થઈ હતી.
આપણ વાચો: બિહાર ચૂંટણીમાં RJDની હારનો ‘વિલન’ કોણ? તેજસ્વી યાદવના ખાસ મિત્ર પર ઉઠ્યા સવાલ
સંદેશ બેઠક: 27 મતનો જંગ
ભોજપુર જિલ્લાની સંદેશ વિધાનસભા બેઠક પરની લડાઈએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. અહીં જનતા દળ (યુનાઈટેડ)ના ઉમેદવાર રાધા ચરણ સાહે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના હરીફ દીપુ સિંહને માત્ર 27 મતોથી હરાવ્યા હતા. મતગણતરીના 28 રાઉન્ડમાં, રાધા ચરણ સાહને કુલ 80,598 મત મળ્યા, જ્યારે તેમના નજીકના હરીફને 80,571 મત મળ્યા. તફાવત એટલો ઓછો હતો કે મતગણતરીની અંતિમ ક્ષણો સુધી બંને પક્ષના સમર્થકો શ્વાસ રોકીને બેઠા હતા.
આગિયાવ (SC) બેઠક: 95 મતની ટક્કર
આગિયાવ (SC) બેઠક પણ ખૂબ જ સ્પર્ધાત્મક હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર મહેશ પાસવાને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના હરીફ શિવ પ્રકાશ રંજનને માત્ર 95 મતોથી હરાવ્યા.
26 મા રાઉન્ડ સુધીમાં, મહેશ પાસવાનને 69,412 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 69,317 મત મળ્યા હતા. આ બેઠક SC અનામત મતવિસ્તાર હોવાથી દલિત મત બેંકનું કેન્દ્ર રહી છે, જ્યાં વિકાસ અને અનામત નીતિઓ પર ચર્ચાઓ થઈ છે.
આપણ વાચો: બિહાર ચૂંટણી પરિણામ: શું NDA ફરી સત્તા મેળવશે? નીતિશ કુમાર કે તેજસ્વી યાદવ – કોણ બનશે મુખ્ય પ્રધાન?
રામગઢ બેઠક: 30 મતે બાજી પલટી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP)ને ફક્ત એક જ બેઠક મળી છે અને અહીં એવી સ્પર્ધા થઈ કે ઇતિહાસ રચાઈ ગયો હતો. રામગઢ બેઠક પર બસપાના સતીશ કુમાર સિંહ યાદવે ભાજપના અશોક કુમાર સિંહને માત્ર 30 મતથી હરાવ્યા. સતીશ કુમારને 72,689 મત મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવારને ફક્ત 72,659 મત મળ્યા. આ જીત બિહારમાં બસપા માટે આશાનું નવું કિરણ લાવી છે.
સંદેશ, આગિયાંવ (SC) અને રામગઢ આ ત્રણ બેઠકો બિહાર ચૂંટણી 2025ની બારીકાઇ દર્શાવે છે. આ ત્રણ બેઠક જ્યાં મતોનું અંતર 100થી ઓછું હતું, તે દર્શાવે છે કે ગ્રામીણ બિહારમાં દરેક ગામ, દરેક બૂથનું કેટલું મહત્વ છે. NDA એ બે બેઠકો જીતી, જ્યારે BSP એ એક બેઠક જીતી હતી.



