તેજસ્વી યાદવ પાસે 2 વોટર ID કાર્ડ વિવાદઃ ચૂંટણી પંચની નોટિસથી રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી/પટનાઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા તેજસ્વી યાદવ સામે ચૂંટણી પંચે બે વોટર આઈડી રાખવાના આરોપમાં તપાસ શરૂ કરી છે. ચૂંટણી પંચે તેજસ્વીને તેમનું ઇલેક્ટોરલ ફોટો આઈડેન્ટિટી કાર્ડ (EPIC) સોંપવા જણાવ્યું છે, કારણ કે તેમના દ્વારા ઉલ્લેખિત એક વોટર આઈડી નંબર અધિકૃત નથી. આ ઘટનાએ બિહારના રાજકારણમાં હલચલ મચાવી છે અને આ મામલે તેજસ્વીની મુશ્કેલીઓ વધી શકે છે.
ચૂંટણી પંચે તેજસ્વી યાદવ પર બે વોટર આઈડી રાખવાનો આરોપ લગાવ્યો છે અને આ મામલે સ્પષ્ટતા માટે તેમની પાસે જવાબ માગ્યો છે. પટનાના નિર્વાચન નોંધણી અધિકારીએ તેજસ્વીને પત્ર લખીને તેમના દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ઉલ્લેખિત EPIC નંબરની વિગતો આપવા જણાવ્યું છે.
આપણ વાંચો: તેજસ્વી યાદવ બચી ગયા! બેફામ ટ્રક કાફલા સાથે ટકરાઈ, 3 સિક્યુરીટી ગાર્ડ થયા ઘાયલ
ચૂંટણી પંચની આશંકા છે કે તેજસ્વીનું બીજું વોટર આઈડી નંબર ખોટા દસ્તાવેજો દ્વારા બનાવવામાં આવ્યું હોઈ શકે છે. આ તપાસના પરિણામો આગામી બિહાર વિધાનસભા ચૂંટણીઓ પર અસર કરી શકે છે.
તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે તેમનું નામ બિહારની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું છે. જોકે, ચૂંટણી પંચે આ દાવાને ખોટો ગણાવીને જણાવ્યું કે તેજસ્વીનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં ક્રમાંક 416 પર નોંધાયેલું છે.
તેજસ્વીએ પ્રેસ કોન્ફરન્સમાં જે EPIC નંબર (RAB2916120) દર્શાવ્યો હતો, તે ચૂંટણી પંચની વેબસાઇટ પર ‘નો રેકોર્ડ ફાઉન્ડ’ બતાવે છે, જ્યારે પંચે તેમના 2020ના ચૂંટણી એફિડેવિટમાં દર્શાવેલ નંબર (RAB0456228)ને સાચો ગણાવ્યો. આ વિસંગતતાએ બે વોટર આઈડીનો મુદ્દો ઊભો કર્યો છે.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી: તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હશે? દિલ્હીમાં થઇ મહત્વની બેઠક…
જો તેજસ્વી યાદવ બે વોટર આઈડી રાખવાના દોષી જણાશે તો તેમની સામે ગંભીર કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. ભારતીય ચૂંટણી કાયદા મુજબ, બે વોટર આઈડી રાખવું એ ગેરકાયદે છે અને તે નાગરિકની ચૂંટણી લડવાની યોગ્યતાને અસર કરી શકે છે.
આ મામલે ચૂંટણી પંચ એફઆઈઆર નોંધી શકે છે, અને જો ખોટા દસ્તાવેજોનો ઉપયોગ સાબિત થશે તો તેજસ્વીને દંડ, જેલની સજા અથવા ચૂંટણી લડવા પર પ્રતિબંધ જેવી સજાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, આ મામલો તેમની રાજકીય પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ મામલે ભાજપે તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે જો RJDના નેતા બે વોટર આઈડી રાખે છે, તો તેમના કાર્યકર્તાઓ શું કરતા હશે? બીજી તરફ, RJDના પ્રવક્તા ચિત્રંજન ગગને દાવો કર્યો કે ચૂંટણી પંચે તેજસ્વીનો EPIC નંબર બદલી નાખ્યો છે.
આ મામલે બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પણ તેજસ્વી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદથી બિહારના રાજકારણમાં નવો તણાવ સર્જાયો છે, અને આગામી ચૂંટણીઓ પહેલાં આ મુદ્દો વધુ ચર્ચામાં રહેવાની શક્યતા છે.