નોકરી ગુમાવવાના ડરે નવજાત બાળકને પથ્થર નીચે દાટી દીધું! શિક્ષક દંપતીની નિર્દયતા

ભોપાલ: મધ્યપ્રદેશમાં માતાપિતાની નિર્દયતાનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. ચિંદવાડાના જંગલ વિસ્તારમાં 3 દિવસનું બાળક એક પથ્થર નીચે દટાયેલું મળી આવ્યું હતું. બાજુના ગામના લોકોને બાળક મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ બાળકના મતા-પિતા બંને પ્રાથમિક શાળાના શિક્ષકો છે. ચોથા બાળકના જન્મ બાદ નોકરી ગુમાવવાના ડરથી તેમણે બાળકને ત્યજી દીધું હતું. સદભાગ્યે બાળકનો જીવ બચી ગયો છે, શિક્ષક દંપતી સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, રવિવારે રાત્રે ચિંદવાડા જીલ્લાના નંદનવાડી ગામ પાસે એક રાહદારીને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો, જયારે તે અવાજ તરફ ગયો ત્યારે તેને પથ્થર નીચે બાળકના હાથ દેખાયા. તેણે તુરંત પોલીસને જાણ કરી. એમ્બ્યુલન્સ મારફતે બાળકને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું અને ત્યારબાદ વધુ સારવાર માટે છિંદવાડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.
નોકરી બચાવવા બાળકને ત્યજ્યું:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ત્યજી દીધેલું બાળક બબલુ દાંડોલિયા અને રાજકુમારી દાંડોલિયાનું છે, પતિ અને પત્ની બંને શિક્ષક છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ દંપતી 2009 થી એક સરકારી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. બંનેએ ગુનો કાબુલી લીધો છે. તેમણે જણાવ્યું કે ચોથા બાળકના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, તેથી તેમણે બાળકને ત્યજી દેવાની વિચાર્યું હતું. દંપતીને 8, 6 અને 4 વર્ષના ત્રણ અન્ય બાળકો છે.
બાળક ત્યજી દેવા બદલ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 93 હેઠળ કેસ દાખલ કર્યો છે. છિંદવાડા જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકને કીડી કરડી છે અને હાયપોથર્મિયાના લક્ષણો છે. બાળકની હાલત હાલ સ્થિર છે અને ડોક્ટરો દેખરેખ રાખી રહ્યા છે.