નેશનલ

ટાટા ગ્રુપે ભાજપ પર કરોડો રૂપિયા વરસાવ્યા! જાણો ક્યા પક્ષને કાટલું દાન મળ્યું

નવી દિલ્હી: ચૂંટણી માટે રાજકીય પક્ષો ગુપ્ત રીતે દાન ઉઘરાવી શકે એ માટેની ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2024 માં ચુકાદો આપીને રદ કરી હતી. ત્યાર બાદ રાજકીય પક્ષો ઇલેક્ટોરલ ટ્રસ્ટ મારફતે જંગી દાન મેળવી રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડામાં જાણવા મળ્યું છે વર્ષ 2024-25માં ટાટા જૂથે ભારતીય જનતા પાર્ટીને મોટા પ્રમાણમાં દાન આપ્યું હતું.

અહેવાલ મુજબ 2024-25માં ટાટા જૂથના નિયંત્રણ હેઠળના પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (PET) દ્વારા વિવધ રાજકીય પક્ષોને આપેલા કુલ રૂ. 915 કરોડના દાનમાંથી લગભગ 83% ફંડ માત્ર ભાજપને આપવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસનો માત્ર 8.4% રકમ મળી હતી.

ચૂંટણી પંચની વેબસાઇટ પર વિવિધ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (ET)એ વર્ષ 2024-25 દરમિયાન રાજકીય પક્ષોને આપેલા દાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જાણવા મળે છે કે ભાજપને મોટા પ્રમાણમાં ફંડ મળી રહ્યું છે.

ભાજપને કોના તરફથી કેટલું ફંડ મળ્યું?
વર્ષ 2024-25 દરમિયાન ભાજપને PET તરફથી 757.6 કરોડ રૂપિયા, ન્યૂ ડેમોક્રેટિક ET તરફથી 150 કરોડ રૂપિયા, હાર્મની ET તરફથી 30.1 કરોડ રૂપિયા, ટ્રાયમ્ફ ET તરફથી 21 કરોડ રૂપિયા, જન કલ્યાણ ET તરફથી 9.5 લાખ રૂપિયા અને Einzigartig ET તરફથી 7.75 લાખ રૂપિયા મળ્યા હતા. આમ ભાજપને કુલ મળીને લગભગ 959 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

પ્રુડન્ટ ETના આંકડાની રાહ:
વર્ષ 2024-25 દરમિયાન પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા દાનનો રીપોર્ટ સાઇટ પર અપલોડ કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે સામાન્ય રીતે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી પણ ભાજપને મોટી માત્રામાં ફંડ મળતું હોય છે. વર્ષ 2023-24માં ભાજપને તામામ ટ્રસ્ટ્સ તરફથી 856.4 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી 724 કરોડ રૂપિયા માત્ર પ્રુડન્ટ તરફથી મળ્યા હતાં. વર્ષ 2024-25ના આંકડા જાહેર થતા ચિત્ર વધુ સ્પષ્ટ થઇ શકે છે.

ટાટા ગ્રુપ અગાઉથી ભાજપને દાન આપી રહ્યું છે:
ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓ પાસેથી દાન મેળવતી PET એ વર્ષ 2018-19માં ત્રણ પક્ષોને કુલ 454 કરોડ રૂપિયા આપ્યા હતા, જેમાંથી 75% એટલે કે 356 કરોડ રૂપિયા ભાજપને, 55.6 કરોડ રૂપિયા કોંગ્રેસને અને 43 કરોડ રૂપિયા તૃણમૂલ કોંગ્રેસ આપ્યા હતાં.

કોંગ્રેસને કોના તરફથી કેટલું ફંડ મળ્યું?
વર્ષ 2024-25માં PET તરફથી 77.3 કરોડ રૂપિયા, ન્યૂ ડેમોક્રેટિક ET તરફથી 5 કરોડ રૂપિયા અને જન કલ્યાણ ET તરફથી 9.5 લાખ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસે દાખલ કરેલા તેને મળેલા દાનના અહેવાલ મુજબ, પ્રુડન્ટે ઇલેક્ટોરલ ટ્રસ્ટ કોંગ્રેસને 216.33 કરોડ રૂપિયા અને એબી જનરલ ET એ 15 કરોડ રૂપિયા આપ્યા હતાં.

કોગ્રેસ પાર્ટીને વર્ષ 2024-25 માલ કુલ 517 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જેમાંથી 313 કરોડ રૂપિયાથી વધુ રકમની વિવિધ ટ્રસ્ટથી મળી હતી.

PETએ અન્ય પક્ષોને કેટલું દાન આપ્યું
PET એ તૃણમૂલ, YSR કોંગ્રેસ પાર્ટી, શિવસેના, બીજુ જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ, JDU, દ્રવિડ મુનેત્ર કઝગમ અને LJP-રામ વિલાસને 10-10 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

મહિન્દ્રા ગ્રુપે પણ ભાજપને માલામાલ કરી:
મહિન્દ્રા ગ્રુપ-સમર્થિત ન્યૂ ડેમોક્રેટિક ET એ વર્ષ 2024-25માં કુલ 160 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ માટે દાન કર્યા હતાં, જેમાંથી 150 કરોડ રૂપિયા માત્ર ભાજપને આપવામાં આવ્યા હતાં, બીજી તરફ કોંગ્રેસ અને શિવસેના-UBT ને માત્ર 5-5 કરોડ રૂપિયા મળ્યા હતાં.

પારદર્શિતા વધુ ઓછી થઇ:
વિશેષજ્ઞોના જણવ્યા મુજબ, ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ થવાથી કોર્પોરેટ ગ્રુપ્સ ઇલેક્ટોરલ ટ્રસ્ટના મારફતે રાજકીય પક્ષોને દાન આપી રહ્યા છે. જેને કારણે પારદર્શિતા વધુ ઓછી થઇ છે. ઇલેક્ટોરલ ટ્રસ્ટોએ કઈ કંપની તરફથી કેટલું દાન મળ્યુંએ એ જણાવવું જરૂરી નથી, માત્ર એટલું જ જણાવવાનું હોય છે કે ક્યા પક્ષને કેટલું દાન આપવામાં આવ્યું.

પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપેલા દાનનો રિપોર્ટ જાહેર થયા બાદ, વર્ષ 2024-25 દરમિયાન ભાજપ સહીત પક્ષોને મળેલા કુલ દાનની જાણ થશે. પરંતુ હાલની સ્થિતિથી એ સ્પષ્ટ છે કે ઇલેક્ટોરલ ટ્રસ્ટનો મોટાભાગનો હિસ્સો સત્તા પર રહેલી ભાજપને મળી રહ્યો છે, જેને કારણે ભાજપની શક્તિ વધી રહી છે.

આપણ વાંચો:  ટેકનિકલ ખામીઓને કારણે એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમમાં પડ્યો વિક્ષેપ, એર ઇન્ડિયા સહિત અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button