અમેરિકા-જાપાન વચ્ચે વેપાર કરાર અટક્યો, ટ્રમ્પના આ એક નિવેદનથી જાપાન નારાજ…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત પહેલા, અમેરિકા અને જાપાન વચ્ચેનો મહત્વનો વેપાર કરાર અટકી ગયો છે.
જાપાનના વેપાર વાટાઘાટકાર રોઝી અકાઝાવાએ છેલ્લી ઘડીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો, જેના કારણે બંને દેશો વચ્ચેનો ટેરિફ કરાર પાટા પરથી ઉતરી ગયો છે.
ટ્રમ્પના એક નિવેદનથી જાપાન રોષે ભરાયું
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમેરિકા દ્વારા 25% ટેરિફ લાદવાની ધમકીના જવાબમાં, જાપાને ટેરિફ ઘટાડવા માટે અમેરિકામાં $550 બિલિયનના રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના આ રોકાણ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપીને દાવો કર્યો હતો કે “આ પૈસા આપણા છે, જે અમે અમારી ઈચ્છા મુજબ રોકાણ કરી શકીએ છીએ અને રોકાણના નફાનો 90% હિસ્સો અમેરિકા પાસે રહેશે.”
જાપાની વાટાઘાટકારે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો
ટ્રમ્પના આ નિવેદનથી જાપાન ગુસ્સે ભરાયું છે. જાપાની અધિકારીઓએ જણાવ્યું છે કે, લાભો સમાન રીતે વહેંચવામાં આવે તો જ રોકાણ થશે. આ નિવેદનના વિરોધમાં જ જાપાની વાટાઘાટકારે પોતાનો પ્રવાસ રદ કર્યો છે.
જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ કહ્યું કે આ મામલે અમેરિકા સાથે વહીવટી સ્તરે કેટલીક ચર્ચા કરવાની જરૂર છે, તેથી મુલાકાત રદ કરવામાં આવી છે. જાપાન હવે ટ્રમ્પ દ્વારા સુધારેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરની રાહ જોઈ રહ્યું છે.
ટેરિફ અને વેપારની શરતોને બંને દેશો વચ્ચે તણાવનું કારણ
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો મુજબ, વાટાઘાટકાર આવતા સપ્તાહે અમેરિકા જઈ શકે છે, પરંતુ જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ સમાધાન કરશે નહીં. આ ઘટના દર્શાવે છે કે અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન અને તેના જૂના સાથી દેશો વચ્ચે ટેરિફ અને વેપારની શરતોને લઈને વેપાર સંબંધોમાં તણાવ વધી રહ્યો છે.
આ પણ વાંચો…પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ