‘મારો ફોન લઇ લો, મને કંઈ ફરક નથી પડતો’, Apple એલર્ટ પર રાહુલ ગાંધીએ કહ્યું
વિપક્ષના નેતાઓએ દાવો કર્યો છે કે તેમને એપલ તરફથી તેમના આઈફોન અને ઈમેલ પર સ્ટેટ સ્પોન્સર્ડ એટેકનું એલર્ટમળ્યું હતું. તેમને ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મારો ફોન લો, હું તમને મારો ફોન આપી દઈશ, મને કોઈ પરવા નથી, પણ અમે ઝૂકીશું નહીં, લડતા રહીશું.
ઘણા વિપક્ષી નેતાઓએ અને પત્રકારોએ તેમના એપલ ડિવાઈસના ‘હેકિંગ’નો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે મારી ઓફિસના ઘણા લોકોને આ મેસેજ મળ્યો છે. કોંગ્રેસના કેસી વેણુગોપાલ, સુપ્રિયા, પવન ખેડાને પણ આ સંદેશ મળ્યો છે. આ બધું કરીને ભાજપ યુવાનોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ અમે એ લોકોથી ડરતા નથી, અમે લડીશું. અમે પાછા નહિ હટીએ.
રાહુલ ગાંધીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મા અદાણીમાં છે. વાસ્તવિકતા એ છે કે રાજા રાજા નથી, સત્તા બીજાના હાથમાં છે. અમે અદાણીનું નામ લઈએ તરત ગુપ્તચર એજન્સીઓ, જાસૂસી, સીબીઆઈ આવી જાય છે.
રાહુલ ગાંધીએ કહ્યું, નરેન્દ્ર મોદીજીનો આત્મા અદાણીમાં છે. પોપટ ક્યાંક બેઠો છે અને રાજા ક્યાંક બેઠો છે. ઘણા સમયથી આખો વિપક્ષ રાજા પર હુમલો કરી રહ્યો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજા બિલકુલ રાજા નથી. સત્તા બીજાના હાથમાં છે. તે અદાણીજીના હાથમાં છે. પહેલા મને લાગતું હતું કે નંબર વન પીએમ છે, નંબર ટુ અદાણી છે અને ત્રીજા નંબરે અમિત શાહ છે, પરંતુ હવે અમે ભારતની રાજનીતિ સમજી ગયા છીએ. નંબર 1- અદાણી, નંબર 2- PM અને નંબર 3- અમિત શાહ છે.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ભારત સરકાર પર વિપક્ષી નેતાઓની જાસૂસીનો આરોપ લાગ્યો હોય. અગાઉ 2019 અને 2022 માં, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સહિત વિશ્વભરના 100 થી વધુ પત્રકારો અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ માટે, વિશ્વના સૌથી શક્તિશાળી હેકિંગ સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ઇઝરાયેલની એક કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, 2017માં ભારત અને ઈઝરાયલ વચ્ચે જે સંરક્ષણ સોદો થયો હતો તેમાં પેગાસસ સ્પાયવેર અને મિસાઈલ સિસ્ટમની ખરીદી સામેલ હતી. ઇઝરાયલ પાસેથી મિસાઇલ સિસ્ટમ ખરીદવા માટે $2 બિલિયનના મોટા સોદા દરમિયાન, પેગાસસ સ્પાયવેર પણ તેની પાસેથી ખરીદવામાં આવ્યા હતા