શરણાગતિઃ છત્તીસગઢમાં સાત નક્સલીનું આત્મસમર્પણ
કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં શુક્રવારે સાત નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ તમામ સુરક્ષા દળો પર અનેક હુમલાઓમાં સામેલ હતા. તેમજ તેમના પર ૩૨ લાખ રૂપિયાનું સામૂહિક રોકડ ઇનામ હતું. આ માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
માઓવાદી વિચારધારા પ્રત્યે નિરાશ
કાંકેરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઇન્દિરા કલ્યાણ એલેસેલાના જણાવ્યા અનુસાર નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે વરિષ્ઠ નક્સલીઓ દ્વારા આદિવાસીઓના શોષણ અને ‘ખોખલી’ અને ‘અમાનવીય’ માઓવાદી વિચારધારા પ્રત્યે નિરાશા વ્યક્ત કરતા આત્મસમર્પણ કર્યું હતું.
આપણ વાંચો: છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષાદળોને મળી મોટી સફળતાઃ 50 કિલો આઇઇડી જપ્ત
આઠથી એક લાખ રુપિયાનું હતું ઈનામ
તેમણે જણાવ્યું કે આત્મસમર્પણ કરનારાઓમાં મમતા ઉર્ફે શાંતા ઉર્ફે વસન્ના બટ્ટુલાઇ(૬૦), દિનેશ મટ્ટામી(૨૦) અને આયતુ રામ પોટ્ટાઇ(૨૭)નો સમાવેશ થાય છે. તેમના પર આઠ-આઠ લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનાર અન્ય એક મહિલા કેડર જમુના ઉર્ફે નીરા નેતામ (૫૦) પરતાપુર વિસ્તાર સમિતિના સભ્ય તરીકે સક્રિય હતી.
અન્ય ત્રણ પરતાપુર(સ્થાનિક ગેરિલા ટુકડી)ના સભ્ય ઇતવારિન પદ્દા(૨૫), પાનીડોબીર/રાવઘાટ એલઓએસ(સ્થાનિક સંગઠન ટુકડી)ના સંજય નરેતી(૨૩) અને પાનીડોબીર એલઓએસના સભ્ય સગનૂ રામ આંચલા(૨૪) પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ હતું, એમ વરિષ્ઠ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.
આપણ વાંચો: Chhattisgarh માં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, 12 નક્સલીઓ ઠાર
સરકારે સહાય પણ કરી
તેમણે કહ્યું કે આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને ૨૫,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તેમજ સરકારી નીતિ અનુસાર તેમનું પુનવર્સન કરવામાં આવશે. ગયા વર્ષે બસ્તર વિસ્તારમાં ૭૯૨ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. બસ્તર ક્ષેત્રમાં કાંકેર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.