
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત પર ખેડૂત આંદોલન વખતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ થયો હતો. આ કેસમાં રાહત મેળવવા માટે કંગનાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કંગના રનૌત પર ચાલી રહેલા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાની ના પાડી અને અરજીને ફગાવી દીધી છે. જેથી કંગના પર આ કેસ ચાલુ રહેશે.
માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે કંગના રનૌતને મોટો ઝટકો આપ્યો છે. આ પહેલા પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે કહ્યું હતું કે, આ માનહાનિ કેસ નહીં હટાવવામાં આવે! જેથી હવે કંગના રનૌતની મુશ્કેલીઓ વધી શકે છે.
આપણ વાંચો: ખેડૂતોના આંદોલન મુદ્દે ટિપ્પણીના કિસ્સામાં કંગના રનૌત પહોંચી સુપ્રીમ કોર્ટમાં, જાણો નવું કારણ?
ટ્વીટ અને રિ-ટ્વીટ મામલે કંગના પર થયો હતો માનહાનિ કેસ
કંગનાએ 2021માં થયેલા ખેડૂત આંદોલન વખતે વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જે માટે તેના પર માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કંગનાના વકીલે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે, કંગનાએ માત્ર એક ટ્વીટને રિ-ટ્વીટ કર્યું હતું. અન્ય ઘણાં લોકોએ પણ આ ટ્વીટને રિ-ટ્વીટ કર્યું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે માત્ર રિ-ટ્વીટ નહોતું પરંતુ તેમાં કંગના રનૌતની ટિપ્પણી પણ સામેલ હતી.
માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
કંગના રનૌત માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે વધું કહ્યું કે, આ એક ટ્રાયલનો મામલો છે તેથી તમારે તમારો કેસ નીચલી કોર્ટમાં રજૂ કરવો જોઈએ. જો ત્યાંથી ચુકાદો આવશે, તો કેસ બેન્ચમાં આવશે તે પછી જ તેની વધુ તપાસ કરવામાં આવશે’. જેથી હવે કંગના રનૌત સામે જે માનહાનિ કેસ થયો છે તેની સુનાવણી પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં જ કરવામાં આવશે.
આપણ વાંચો: કેમ કંગના રનૌતને આવ્યો ગુસ્સો, જાણો કોને કહ્યું ‘મુર્ખ’?
મહિંદર કૌરે ભટિંડા કોર્ટમાં કંગના સામે કર્યો હતો કેસ
કેસની વાત કરવામાં આવે તો, 2021માં જે ખેડૂત આંદોલન થયું તેમાં કંગના રનૌતે ટ્વીટમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે પંજાબની ભટિંડા કોર્ટમાં 73 વર્ષીય મહિંદર કૌર દ્વારા કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કારણ એવું છે કે, કંગના રનૌતે જે રિ-ટ્વીટ કર્યું હતું તેમાં ફોટો મહિંદર કૌરનો હતો.
કંગનાએ આ ફોટોવાળા ટ્વીટને રિ-ટ્વીટ કરતા લખ્યું હતું કે, આ એ જ બિલ્કીસ બાનો દાદી છે જે શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો ભાગ હતી. તે 100 રૂપિયામાં મળે છે. આ કેસમાં હવે કંગનાની મુશ્કેલીઓ સતત વધી રહી છે.