‘સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં ચેતવણી આપી

નવી દિલ્હી: બિહારમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા ભારતીય ચૂંટણી પંચ (ECI) સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરી રહી છે, જેની સામે સવાલો ઉઠી રહ્યા છે. SIR મામલે વિપક્ષે ECI પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આજે સુનાવણી દરમિયાન બેન્ચે ચૂંટણી પંચને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.
સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો બિહારમાં ચૂંટણીલક્ષી SIR કવાયતમાં અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કોઈ ગેરકાયદે બાબતની જાણ થશે, તો સમગ્ર પ્રક્રિયાને રદ કરવામાં આવશે.
આ સાથે બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે બિહાર SIR પર મામલે તેઓ ટુકડે ટુકડે અભિપ્રાય નહીં આપી શકે. કોર્ટનો અંતિમ ચુકાદો ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં થનારી SIR પર લાગુ પડશે.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, “અમે આશા રાખી રહ્યા છીએ કે એક બંધારણીય સંસ્થા તરીકે ચૂંટણી પંચ SIR પ્રક્રિયા હાથ ધરવા કાયદા અને નિયમોનું પાલન કરી રહી છે.”
બિહારમાં યોજાઈ રહેલી SIR કવાયતની માન્યતા પર અંતિમ દલીલો સાંભળવા માટે સુપ્રીમ કોર્ટે 7 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. ત્યાર બાદ બેન્ચ અંતિમ નિર્ણય સંભળાવશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ આદેશ આપ્યા છતાં એવી ફરિયાદો ઉઠી હતી કે ચૂંટણી અધિકારીઓ આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે માન્યતા આપવાનો ઇનકાર કરી રહ્યા છે. ગયા સોમવારે (8 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે બિહારમાં ચાલી રહેલા SIR દરમિયાન 12મા માન્ય દસ્તાવેજ તરીકે આધાર કાર્ડનો સમાવેશ કરવો આવશ્યક છે.
આપણ વાંચો: બેંગલુરુમાં બસમાં લાગી ભીષણ આગ: ડ્રાઈવરની સમયસૂચકતાથી 60 પ્રવાસીના જીવ બચ્યાં