ચૂંટણી પહેલા ‘ફ્રીબીઝ’ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ-રાજસ્થાન સરકારો, કેન્દ્ર અને ECને નોટિસ મોકલી
ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય પ્રધાનો દ્વારા કરવામાં આવતી મફત વસ્તુ અને સેવાઓની જાહેરાતો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે બંને રાજ્ય સરકારો, કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. અરજદાર ભટ્ટુલાલ જૈને અરજીમાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી લાભ માટે બનાવવામાં આવતી યોજનાઓ આખરે સામાન્ય લોકો પર બોજ લાવે છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા લોકો માટે આવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે, જેમાં લોકોને મફતમાં વસ્તુઓ કે રોકડ આપવામાં આવશે. આને ‘ફ્રીબીઝ’ પણ કહેવામાં આવે છે. તેની સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે ચૂંટણી પહેલા તમામ પ્રકારના વચનો આપવામાં આવે છે. તેના પર અરજદારના વકીલે કહ્યું કે અહીં અમે માત્ર વચનોની વાત નથી કરી રહ્યા. આ કારણે નેટવર્થ નેગેટિવ થઈ રહ્યું છે. નેતાઓ જિલ્લા જેલ વેચવાની હદ સુધી ગયા છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા છો? શું તમારી સુનાવણી હાઈકોર્ટમાં થઈ નથી રહી? અરજદારના વકીલે કહ્યું કે રાજસ્થાન સહિત બે રાજ્યો એવા છે જ્યાં ફ્રીબીઝના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અરજદારના વકીલે કહ્યું કે જાહેર હિત શું છે અને શું નથી તે વચ્ચે રેખા દોરવાની જરૂર છે. સરકારને રોકડની વહેંચણી કરવા દેવાથી વધુ ક્રૂર બીજું કંઈ નથી. આ બધું ચૂંટણીના છ મહિના પહેલા જ શરૂ થઈ જાય છે.
વકીલે કહ્યું કે આખરે ટેક્સ ભરનાર જનતાને જ આ બોજ ઉઠાવવો પડે છે. આ મામલાની સુનાવણી બાદ ચીફ જસ્ટિસે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારો નોટિસ પાઠવી હતી. તેમને ચાર અઠવાડિયામાં આ નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમને તેમના વકીલ સાથે આવવા પણ કહેવામાં આવ્યું છે.