‘તમે વાસ્તવિકતાથી દૂર છો’ રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટે શર્મિલા ટાગોરની દલીલોને ઝાટકી નાખી

નવી દિલ્હી: જાહેર વિસ્તારોમાં રખડતા શ્વાનોને હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી કરવામાં આવી રહી છે. શ્વાનોને હટાવવાના નિર્ણયનો વિરોધ કરતા અભિનેત્રી શર્મિલા ટાગોરની દલીલો સુપ્રીમ કોર્ટે ફગાવી હતી અને આકરી ઝાટકણી કાઢી હતી.
સુનાવણી દરમિયાન શર્મિલા ટાગોરના વકીલે એઈમ્સ કેમ્પસમાં ઘણા વર્ષોથી રહેતા એક શાંત શ્વાનનું ઉદાહરણ આપ્યું. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે “તમે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે દૂર છો. હોસ્પિટલોના આ કૂતરાઓનો મહિમા કરવાનો પ્રયાસ ન કરો.”
શર્મિલા ટાગોરના વકીલની દલીલ:
શર્મિલા ટાગોરના વકીલે જણાવ્યું કે ચોક્કસપણે એવા કૂતરા હોઈ શકે છે જેમને દુર કરવાની જરૂર હોય છે, પરંતુ યોગ્ય સમિતિ દ્વારા જે કુતરાને આક્રમક ગણાવવામાં આવે તેનો સામે જ કાર્યવાહી કરવામાં આવે.
તેમણે કહ્યું, “અમે કૂતરાઓના વર્તન પર વિચાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાનું સૂચન કરીએ છીએ, આક્રમક અને શાંત શ્વાનો વચ્ચેનો તફાવત કરવો જોઈએ , એઈમ્સમાં ‘ગોલ્ડી’ નામની એક માદા શ્વાન રહે છે. તે ઘણા વર્ષોથી ત્યાં છે.”
કોર્ટે ઝાટકણી કાઢી:
શર્મિલા ટાગોરના વકીલની દલીલની ઝાટકણી કાઢતા સુપ્રીમ કોર્ટે કહ્યું, “શું એ શ્વાનને હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પણ લઈ જવામાં આવે છે? કોઈપણ રખડતા શ્વાનમાં જીવાત થવાની શક્યતા છે, અને હોસ્પિટલમાં જીવાતવાળા કૂતરાના ફરવાથી ખરાબ પરિણામો આવી શકે છે. તમે સમજી રહ્યા છો?”
સુપ્રીમ કોર્ટે કહ્યું “તમે વાસ્તવિકતાથી સંપૂર્ણપણે દૂર છો. હોસ્પિટલોમાં આ કૂતરાઓનો મહિમા કરવાનો પ્રયાસ ન કરો.”
ત્યારબાદ શર્મિલા ટાગોરના વકીલે કરડે તેવા કૂતરાઓને ઓળખવા માટે કલર-કોડિંગ કોલર બાંધવાનો ઉપાય સૂચવ્યો, તેમણે જ્યોર્જિયા અને આર્મેનિયા જેવા દેશોના ઉદાહરણ આપ્યા.
સુપ્રીમ કોર્ટે તેમની આ દલીલને ફગાવતા કહ્યું, “એ દેશોની વસ્તી કેટલી છે? કૃપા કરીને વાસ્તવિક સલાહ આપો.”
વરિષ્ઠ વકીલ મહાલક્ષ્મી પવાણીએ મુદ્દો ઉઠવ્યો કે શ્વાનોને ખોરાક આપનારાઓ અને તેની સંભાળ રાખનારાઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું, “લોકો કોઈપણ માટે અપમાનજનક નિવેદનોનો આપી શકે છે. અમારા વિશે પણ ઘણી વાતો કહેવામાં આવે છે. તેમની સામે કાર્યવાહી કરી શકાય છે.”
‘આ પણ વાંચો…રોડ પર શ્વાન રખડવા ન જોઈએ, હાઈ-વે પર ઢોર ગંભીર વિષય’ સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી…



