‘જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નહીં?’ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યો સવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

‘જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નહીં?’ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યો સવાલ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગ પ્રબળ થઇ રહી છે. આ માંગ સાથેની એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કોર્યો કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ ન મળવો જોઈએ? આ પ્રશ્નનો જવાબ દાખલ કરવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.

દેશ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેટલીક અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજદારોમાં શિક્ષણવિદ ઝહૂર અહમદ ભટ અને સામાજિક-રાજકીય કાર્યકર્તા અહમદ મલિકની અરજીઓનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારે આપ્યું હતું વચન:

અરજીમાં અરજદારોએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્ર સરકારે વચન આપ્યું હતું, અરજદારોએ અપીલ કરી કે કોર્ટ કેન્દ્રને તેના વચનનું પાલન કરવા આદેશ આપે.

આજે સુનાવણી દરમિયાન, અરજદારોના વકીલે સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર 2023માં આપેલા ચુકાદાનો ઉલ્લેખ કર્યો. એ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી હતી. એ કેસની સુનવણી દરમિયાન કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા બાંયધરી આપી હતી.

કેન્દ્ર સરકારે શું દલીલ કરી:

કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે “હા, કેન્દ્રએ વચન આપ્યું હતું, પરંતુ વિવિધ પરિબળોને પણ ધ્યાનમાં લેવા જરૂરી છે.”

તુષાર મહેતાએ કહ્યું કે કેટલાક લોકો પોતાની રીતે નેરેટીવ્સ ચલાવી રહ્યા છે. જેટલી દર્શાવવામાં આવે છે, જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ એટલી ખરાબ નથી. પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પણ યોજાઈ હતી અને સરકાર ચૂંટાઈને આવી છે. છેલ્લા 6 વર્ષના સમયગાળા દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર વિકાસ થયો છે.

તુષાર મહેતાએ એમ પણ કહ્યું, તાજેતરમાં પહેલગામ હુમલા જેવી કેટલીક ઘટનાઓ બની હતી, જેને આ સુનાવણી પર અંતિમ નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લેવી પડશે.

સુનાવણી દરમિયાન, CJI બી આર ગવઈએ પહેલગામ ઘટનાનો ઉલ્લેખ કરીને ટિપ્પણી કરી કે આ પ્રદેશ સુરક્ષા જોખમો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button