નેશનલ

‘ભારતમાં મહિલાઓ સૌથી મોટી લઘુમતી છે’; આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩% અનામત આપતા કાયદા’નારી શક્તિ વંદન અધિનિયમ’ના અમલીકરણના વિલંબ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મહિલાઓ ભારતમાં “સૌથી મોટી લઘુમતી” છે, જેમની સંસદમાં હાજરી સતત ઓછી રહી છે.

જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે ડૉ. જયા ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ અથવા બંધારણમાં 106મા સુધારાની જોગવાઈઓને પડકારવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સપ્ટેમ્બર 2023 માં આ કાયદા પર હસ્તાક્ષર કર્યા હોવા છતાં, હજુ સુધી તેનો અમલ થઇ શક્યો નથી.

કાયદાનો અમલ ક્યારે?

આરજદાર વતી કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તા અને વકીલ વરુણ ઠાકુરે રજૂઆત કરી હતી કે સરકારે મહિલાઓને ૩૩% અનામત આપી છે, પરંતુ તેના અમલ માટે પ્રક્રિયા ક્યારે શરુ થશે એનો કોઈ ખ્યાલ નથી. વસ્તી ગણતરી હજુ શરૂ પણ થઈ નથી, જ્યારે ડીલિમિટેશન તેના પછી જ થાય છે. કાયદો પસાર થયા બાદ તેના અમલીકરણ પર આવી અનિશ્ચિતતા ભાતેલી શરતો લાદવી જોઈએ નહીં. તેનો કોઈ તાર્કિક આધાર નથી, અને તેનો અમલ ક્યારથી શરૂ થશે એ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કોર્ટે સરકારને નોટીસ પાઠવી:

વકીલોની દલીલ સામે ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે કાયદાનું અમલ ક્યારે કરવો એ એક્ઝિક્યુટિવ (સરકારનો) મામલો છે. અમે ફક્ત એટલું જ પૂછી શકીએ છીએ કે સરકાર કાયદાના અમલનો પ્રસ્તાવ ક્યારે મૂકે છે. સરકાર તેને વૈજ્ઞાનિક ડેટા પર આધારિત બનાવવા માંગી શકે છે.

ન્યાયાધીશ નાગરત્નાએ કહ્યું, આ બંધારણીય સુધારો મહિલાઓને રાજકીય ન્યાય આપવાનું એક ઉદાહરણ છે, રાજકીય ન્યાય સામાજિક અને આર્થિક ન્યાયની સમકક્ષ છે. મહિલાઓ દેશમાં સૌથી મોટી લઘુમતી છે. દેશની કુલ વસ્તીના 48.44% મહિલાઓ છે.

આ મામલે જવાબ આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. આગામી સુનાવણીમાં સરકારે સ્પષ્ટ કરવું પડશે કે મહિલા અનામત ક્યારથી લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો…ઉમેદવાર સજાનો ખુલાસો નહીં કરે તો રદ્દ થઈ જશે ચૂંટણી: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button