સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક! જાણો કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી અને જસ્ટિસ આલોક અરાધે…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આલોક અરાધે અને પટણા હાઈકોર્ટના મુખ્ય જસ્ટિસ વિપુલ પંચોલીને હવે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપીને નિમણૂક આપી છે.
હવે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા 34 થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે, હવે સુપ્રીમ કોર્ટમાં જજની ક્ષમતા સંપૂર્ણ હોવાથી હવે કામગીરી પણ એટલી જ ઝડપી થશે તેવી આશા સેવી શકાશે.
જસ્ટિસ નાગરત્નાએ વિપુલ પંચોલીની પસંદગીનો વિરોધ કરેલો
આ બંને નિમણૂકો માટે 25 ઓગસ્ટે કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. કોલેજિયમમાં મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ બી.આર. ગવઈ ઉપરાંત જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ બી.વી. નાગરત્નાનો સમાવેશ થાય છે.
પરંતુ ખાસ અને મહત્વનો મુદ્દો એ છે કે જસ્ટિસ નાગરત્નાએ વિપુલ પંચોલીની પસંદગીનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું એવું હતું કે, વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન આપવો યોગ્ય નથી.

જસ્ટિસ વિપુલ પંચોલી મૂળ ગુજરાતના રહેવાસી છે
મૂળ ગુજરાતના રહેવાસી વિપુલ પંચોલીએ 1991માં વકીલ તરીકે પોતાની ન્યાયિક યાત્રા શરૂ કરી હતી. 2014માં તેઓ ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમાયેલા હતા અને 2016માં કાયમી જજ બન્યા હતાં.
લાંબા સમય સુધી ગુજરાત હાઈકોર્ટમાં સેવા આપ્યા બાદ જુલાઈ 2023માં તેમને પટણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતાં. હવે તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે.

જસ્ટિસ આલોક અરાધેની કેટલા વર્ષ ક્યાં સેવા આપી?
હવે જસ્ટિસ આલોક અરાધેની વાત કરવામાં આવે તો, તેમની મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં 2009માં એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ આલોકે 2016માં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે સાથે તેમણે કર્ણાટક અને તેલંગાણા જેવા રાજ્યોના હાઈકોર્ટોમાં જવાબદારીઓ સંભાળી છે.
જુદા જુદા રાજ્યોમાં કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે કામ કર્યા પછી, તેમણે જાન્યુઆરી 2025થી બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. હવે તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટે CSDSના ડિરેક્ટર સંજય કુમાર સામે કાર્યવાહી પર રોક લગાવી! આ મામલે નોંધાયા હતાં કેસ