‘15 વર્ષથી વધુ ઉંમરની છોકરી તેની પસંદગી મુજબ લગ્ન કરી શકે…’ સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું? | મુંબઈ સમાચાર
નેશનલ

‘15 વર્ષથી વધુ ઉંમરની છોકરી તેની પસંદગી મુજબ લગ્ન કરી શકે…’ સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: મંગળવારે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી કરતા એક સગીર વયની છોકરીના 30 વર્ષના પુરુષ સાથે લગ્નને મંજુરી આપી હતી. સુપ્રીમ કોર્ટે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લીધી ન હતી. હકીકતે આ મામલો 16 વર્ષની મુસ્લિમ છોકરીના લગ્ન સાથે જોડાયેલો હતો.

અહેવાલ મુજબ 16 વર્ષની મુસ્લિમ છોકરીએ 30 વર્ષના પુરુષ સાથે લગ્ન કર્યા હતાં, જેની સામે નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) દ્વારા વાંધો ઉઠાવવામાં અઆવ્યો હતો. વર્ષ 2022માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લગ્ન મંજુર રાખ્યા હતાં. હાઈકોર્ટે દંપતી જાવેદ અને આશિયાના, તેમના બાળક અને પરિવારના સભ્યોને ધમકી આપતા લોકોથી રક્ષણ પણ પૂરું પડ્યું હતું.

હાઈ કોર્ટના આ ચુકાદા સામે NCPCRએ સુપ્રીમ કોર્ટમાં એક સ્પેશિયલ લિવ પીટીશન દાખલ કરી રાતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે આ લિવ પીટીશન ફગાવી દીધી હતી અને હાઈકોર્ટના ચુકાદાને મંજુર રાખ્યો હતો.

ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો છોકરી તરુણાવસ્થામાં પહોંચે છે એટલે કે 15 વર્ષથી વધુ ઉંમર થાય છે, તો મુસ્લિમ પર્સનલ લો હેઠળ તેની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે પૂરતી યોગ્ય છે, તેમાં POCSO કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે.

બેન્ચે શું કહ્યું?

NCPCR એ POCSO ના ઉલ્લંઘનનો દાવો કર્યો હતો, સુપ્રીમ કોર્ટેના ન્યાયાધીશ બી.વી. નાગરથના અને ન્યાયાધીશ આર. મહાદેવનની બેન્ચે આ મામલે NCPCRને ફટકાર લાગવી હતી. બેન્ચે કહ્યું, “તમારી પાસે (હાઈ કોર્ટને ચુકાદાને)પડકારવાનો કોઈ અધિકાર નથી… જો બે સગીર બાળકો (એટલે કે, આશિયાના અને તેના બાળક)ને હાઈકોર્ટ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે, તો તમે આવા આદેશને કેવી રીતે પડકારી શકો છો? સગીરાને આપવામાં આવેલા રક્ષણની સામે NCPCR ને વાંધો કેવી રીતે હોઈ શકે છે? એ અમે સમજી શકતા નથી.”

NCPCRની દલીલ:

NCPCR વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભટ્ટીએ દલીલ કરી કે કોર્ટ રક્ષણ આપી શકે છે. પરંતુ શું 15 વર્ષની છોકરી પર્સનલ લો આધારે લગ્ન કરવાની કાયદાકીય અને માનસિક સક્ષમ હોઈ શકે છે? જોકે, સુપ્રીમ કોર્ટ આ દલીલ માન્ય રાખી ન હતી. કોર્ટે NCPCR ને કહ્યુ, “જો તમે આ પ્રશ્ન પર દલીલ કરવા ઈચ્છતા હો.. તો યોગ્ય કેસ સંદર્ભે સંપર્ક કરો.”

નોંધનીય છે કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ લગ્ન માટે લઘુત્તમ ઉંમરનો પ્રશ્ન વર્ષોથી વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આજે આપેલો ચુકાદો મહત્વનો છે.

આપણ વાંચો:  ફરી બ્લ્યુ ડ્રમમાં પુરાયો એક પતિઃ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મારી નાખ્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button