રાફેલ ઉડાવી શકતી મહિલાઓ JAG કેમ બની શકે નહીં? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે જ્યારે મહિલાઓ રાફેલ જેવા અત્યાધુનિક લડાકુ વિમાનોને ઉડાવી શકે છે તો પછી તેમને જજ એડવોકેટ જનરલ (JAG) જેવા મહત્વપૂર્ણ પદો પર ઓછી તકો શા માટે આપવામાં આવી રહી છે? કોર્ટે કેન્દ્રને આ પ્રશ્ન એક અરજીની સુનાવણી દરમિયાન કર્યો હતો, જેમાં અરજીમાં JAGના પદો પર મહિલાઓ માટે ઓછી જગ્યાઓ હોવાના મુદ્દાને પડકારવામાં આવ્યો છે.
કોર્ટે એક અરજદારને વચગાળાની રાહત આપતા સેનાને તેને આગામી તાલીમ અભ્યાસક્રમમાં સામેલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરકારને એ પણ પૂછ્યું કે જ્યારે પદો જેન્ડર ન્યૂટ્રલ છે તો પછી મહિલાઓ માટે ઓછી જગ્યાઓ કેમ રાખવામાં આવી છે?
આપણ વાંચો: સાપ કરડવાની સમસ્યા દેશભરમાં છે, કંઇક કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર
મહિલાઓની JAGના પદ પર નિમણૂક કરવામાં શું વાંધો?
પ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે કહ્યું હતું કે, ‘જો એરફોર્સમાં એક મહિલા રાફેલ ઉડાવી શકે છે, તો પછી આર્મીમાં JAGના પદ પર નિમણૂક કરવામાં શું વાંધો છે?’ કોર્ટે સરકારને સીધો સવાલ કર્યો હતો કે જ્યારે તેઓ દાવો કરે છે કે JAGના પદો જેન્ડર ન્યૂટ્રલ છે, તો શા માટે મહિલાઓ માટે મર્યાદિત સંખ્યામાં જ જગ્યાઓ ફાળવવામાં આવે છે.
આ અરજી અર્શનૂર કૌર અને અન્ય એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓએ પરીક્ષામાં ચોથો અને પાંચમો ક્રમ મેળવ્યો હતો અને પુરુષ ઉમેદવારો કરતાં વધુ ગુણ મેળવ્યા હતા, પરંતુ મહિલાઓ માટે ઓછી જગ્યાઓ હોવાના કારણે તેમની પસંદગી થઈ શકી ન હતી.
આપણ વાંચો: આયુર્વેદ અને યોગને ‘આયુષ્માન ભારત’માં સામેલ કરોઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ…
કોર્ટે અર્શનૂર કૌરને વચગાળાની રાહત આપી હતી અને કોર્ટે કેન્દ્ર સરકાર અને સેનાને નિર્દેશ આપ્યો હતો કે તેમને JAG અધિકારી તરીકે નિમણૂક માટે આગામી ઉપલબ્ધ તાલીમ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કોર્ટે સરકારનાં એ તર્ક સાથે અસહમતી દર્શાવી હતી કે જે મુજબ JAGના પદો લિંગ-તટસ્થ (જેન્ડર ન્યૂટ્રલ) છે અને 2023થી 50:50નો ગુણોત્તર જાળવવામાં આવશે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લિંગ તટસ્થતાનો અર્થ 50:50 ટકા નથી. લિંગ તટસ્થતાનો ખરો અર્થ એ છે કે તમારા લિંગ સાથે કોઇ ફરક નથી પડતો. ન્યાયાધીશે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કયા લિંગની છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
શું હોય છે JAGની ભૂમિકા
JAG સેનામાં કાયદાકીય સલાહકારની ભૂમિકા ભજવે છે. અદાલતી કાર્યવાહી દરમિયાન તેઓ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે, તે ઉપરાંત તેઓ કોર્ટ-માર્શલ અને શિસ્તભંગની કાર્યવાહીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય સેનાએ પોતાની નીતિનો બચાવ કરતા જણાવ્યું હતું કે JAG અધિકારીઓને ઇન્ફન્ટ્રી બટાલિયન સાથે જોડવામાં આવે છે અને તેમની પાસેથી યુદ્ધની ભૂમિકાઓ નિભાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેઓ લશ્કરી કાયદાનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરે છે.