રખડતા શ્વાનનો આતંક: સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે અઢી કલાક ચાલી દલીલો, શેલ્ટર હોમની અછત અંગે ચિંતા વ્યક્ત કરી

શ્વાન માણસના વર્તનને ઓળખી લે છે: જસ્ટિસ મહેતાનું અવલોકન, દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર હોમ હોવાનો ખુલાસો
નવી દિલ્હી: દેશમાં રખડતા શ્વાનનો આતંક અને તેનાથી ઊભા થતા જોખમો અંગે સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે અઢી કલાક સુધી લાંબી દલીલો ચાલી હતી. સુનાવણી વખતે કોર્ટે એક મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, શ્વાન માણસના વર્તનને ઓળખી લે છે, તેથી કરડે છે. આ મુદ્દે સરકારી વકીલે એનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે ન્યાયાધીશે પોતાના અંગત અનુભવનો હવાલો આપીને મક્કમતાથી પોતાની વાત રજૂ કરી હતી. અદાલતે માત્ર કાયદાકીય પાસાઓ જ નહીં, પરંતુ પ્રાણીઓના મનોવિજ્ઞાન અને સામાજિક સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો હતો.
સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દેશમાં રખડતા શ્વાનો માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલી હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે રાજ્યો દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં ક્યાંય પણ નગરપાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતા શેલ્ટર હોમની સ્પષ્ટતા નથી.
આશ્ચર્યજનક રીતે દેશમાં માત્ર 5 સરકારી શેલ્ટર હોમ છે, જેની ક્ષમતા માત્ર 100 શ્વાનની છે. વકીલે દલીલ કરી હતી કે જ્યાં સુધી પૂરતી સુવિધા અને હાઉસિંગ કેપેસિટી ન હોય, ત્યાં સુધી શ્વાનોને પકડીને રાખવા ક્યાં? આ માટે દેશમાં મોટા પાયે નવા શેલ્ટર હોમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એનિમલ વેલ્ફેર તરફથી હાજર રહેલા વકીલે એક વિચિત્ર દલીલ કરી હતી કે જો રસ્તા પરથી શ્વાનને હટાવી દેવામાં આવશે, તો ઉંદરોનો ત્રાસ વધી જશે. આ દલીલ સાંભળીને કોર્ટે હળવા અંદાજમાં વળતો પ્રશ્ન કર્યો કે, “તો શું અમારે બિલાડીઓ લાવવી જોઈએ?” જસ્ટિસ મહેતાએ ટકોર કરી હતી કે પ્રાણીઓ વચ્ચેના આંતરિક સંબંધોને કારણે કાયદાકીય વ્યવસ્થામાં બાંધછોડ ન કરી શકાય. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેમનો આદેશ તમામ શ્વાનને હટાવવાનો નથી, પરંતુ નિયમો મુજબ તેમનું વ્યવસ્થાપન કરવાનો છે.
સુનાવણીમાં એ મુદ્દો પણ ઉઠ્યો હતો કે પાલતુ શ્વાનનો માલિક હોય છે, પરંતુ રખડતા શ્વાન માટે કોઈ જવાબદાર નથી. અરજદારે માંગ કરી હતી કે ‘એનિમલ બર્થ કંટ્રોલ’ (ABC) નિયમો એવા હોવા જોઈએ કે સામાન્ય નાગરિકો માટે તેમના ઘર સુધીનો રસ્તો સુરક્ષિત રહે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે શ્વાન સાથે કાઉન્સિલિંગ શક્ય નથી, પરંતુ તેમને ખવડાવનારા કે તેમના માલિકોને ચોક્કસપણે સમજાવી શકાય છે. શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએથી શ્વાનને દૂર રાખવાના અગાઉના આદેશને રહેણાંક વિસ્તારોમાં પણ લાગુ કરવા માટે દલીલો કરવામાં આવી હતી.
વકીલોએ કોર્ટનું ધ્યાન દોર્યું કે શ્વાનોની છેલ્લી સત્તાવાર ગણતરી વર્ષ 2009માં થઈ હતી, જે મુજબ માત્ર દિલ્હીમાં જ 5.60 લાખ શ્વાન હતા. હાલમાં આ સંખ્યા અનેકગણી વધી હોવાની શક્યતા છે.
ગણતરીના અભાવે વેક્સિનેશન અને નસબંધીના કાર્યક્રમોમાં અડચણ આવી રહી છે. અંતમાં કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે બિનજરૂરી અરજીઓ રોકવા માટે જે રકમ જમા કરાવવાની શરત છે તે જરૂરી છે, નહીંતર કોર્ટમાં અરજદારોની સંખ્યા વધી જાય. આ મામલે આગામી સમયમાં વધુ કડક માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો…હાઇકોર્ટમાં રખડતા કૂતરાંની ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, CJIને લખાયો પત્ર…



