
નવી દિલ્હી: આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન અને ઢોર અંગેના કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે શ્વાન કરડવાની વધતી ઘટનાઓ અને હાઇવે પર રખડતા ઢોર અંગે ચિંતાઓ વ્યક્ત કરી છે.
સુનાવણી દરમિયાન અરજદાર વતી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, “મને ક્યારેક કોઈ શ્વાન કરડ્યું નથી.” જેના જવાબમાં ન્યાયાધીશ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું કે તમે નસીબદાર છો. બાળકોને શ્વાન કરડી રહ્યા છે. લોકો મરી રહ્યા છે. શ્વાન ક્યારે કરડવાના મૂડમાં છે કે ક્યારે નહીં એ જાણી શકાય નહીં, તમે તેનું મન વાંચી ન શકો. ઉપચાર કરતાં નિવારણ કરવું વધુ સારું છે.
અરજદાર વતી દલીલો:
સિબ્બલે દલીલ કરી હતી કે શેરીઓમાં રખડતા શ્વાનો અને સંસ્થાના શ્વાનોમાં વચ્ચે કોઈ ભેદ હોવો જોઈએ નહીં, તેમને શ્વાનોને “ડોગ કમ્યુનિટી” કહ્યું. તેમણે કહ્યું કે એનિમલ બર્થ કંટ્રોલ(ABC) હેઠળ નસબંધી એ લાંબા ગાળાનો પરંતુ સાબિત થયેલો ઉકેલ છે.

કપિલ સિબ્બલે કહ્યું કે જો કોઈ શ્વાન કોઈને કરડે છે, તો તમે સેન્ટરને ફોન કરો, જે શ્વાનને પકડી જશે, નસબંધી કરવામાં આવશે અને તેને વિસ્તારમાં પરત છોડી દેવામાં આવશે.
રસ્તાઓ શ્વાનોથી મુક્ત રહેવા જોઈએ:
બેન્ચે અરજદારોને પૂછ્યું કે “રસ્તાઓ શ્વાનોથી મુક્ત અને સ્વચ્છ હોવા જોઈએ. કદાચ તેઓ ન કરડે, પણ તેને કારણે અકસ્માતો બની શકે છે. શેરીઓ, શાળાઓ અને સંસ્થાઓમાં શ્વાનોની શું જરૂર છે?”.
બેન્ચે કહ્યું કે શ્વાનોના સાયકલ અને મોટરસાઇકલ સવાર લોકોનો પીછો કરતા ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય છે.
રહેણાંક વિસ્તારોમાં શ્વાનો ન રહે એ માટે કોર્ટે મ્યુનિસિપલ તંત્રને તમામ પરિસરોનું નિયમિત નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત સંસ્થાઓમાં શ્વાન કરડવાની ઘટનાઓ બનવીએ માત્ર વહીવટી ઉદાસીનતા જ નહીં પરંતુ “નિષ્ફળતા” છે.
હાઈવે પર રખડતા ઢોરને ચિંતાનું કારણ:
સુનાવણી દરમિયાન હાઈવે પર રખડતા ઢોરને કારણે થતા અકસ્માતોનો મુદ્દો ઉઠવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચિંતા સાથે નોંધ્યું હતું કે છેલ્લા બે દિવસમાં જ રાજસ્થાનમાં રસ્તા પર રખડતા ઢોરને કારણે બે ન્યાયાધીશોના અકસ્માતો થયા હતા.
સુપ્રીમ કોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પૂછ્યું હતું કે રખડતા ઢોર હાઇવેમાં પ્રવેશ ન કરે તે માટે રોડની બાજુમાં વાળ કેમ ન કરી શકાય? બેન્ચે હાઇ-સ્પીડ કોરિડોર પર પ્રાણીઓ અને માળખાગત ખામીઓ અંગે અંગે સ્પષ્ટતા માંગી હતી.



