EVMમાં ગડબડી અંગે સુપ્રીમકોર્ટે ચૂંટણી પંચને તપાસ કરવા કહ્યું, જાણો શું છે મામલો

લોકસભાની ચૂંટણી 2024 માટે પહેલા તબક્કાનું મતદાન આવરી કાલે 19મી એપ્રિલના રોજ યોજવાનું છે, એ પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન(EVM) મશીનમાં ગડબડી અંગે ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે EVMમાં ખરાબી અંગેની એક અરજીની સુનાવણી કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને EVMની વિશ્વસનીયતા પર ફરી પ્રશ્ન ઊભો થયો છે. કેરળમાં EVM સાથે ચેડાં કરવા અને અન્ય પક્ષોના મત ભાજપને ટ્રાન્સફર કરવાના આરોપો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. કોર્ટમાં આવી ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVM સંબંધિત ફરિયાદો પર ગંભીરતાથી ધ્યાન આપવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પહેલ કેરળના કાસરગોડમાં મતદાનની મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. આ મોકડ્રીલ દરમિયાન દરેક મત ભાજપને જતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યોહતો, જેની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ પોતાના મૌખિક આદેશમાં ચૂંટણી પંચને આ મામલે મળેલા રિપોર્ટની તપાસ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો : Nestle ભારતમાં વેચાતા Cerelacમાં ખાંડ ઉમેરે છે! એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
સુનાવણી દરમિયાન અરજદાર એડીઆર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે એક મીડિયા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. આ અહેવાલ અનુસાર, કાસરગોડમાં મોક ડ્રીલ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ચાર EVM અને VVPATમાં એક વધારાનો વોટ મળ્યો. આને ગંભીરતાથી લેતા બેન્ચે ચૂંટણી પંચના વકીલ મનિન્દર સિંહને સમગ્ર મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં દાખલ ઘણી અરજીઓમાં એવી માંગણી કરવામાં આવી છે કે EVMમાંથી પડેલા તમામ મત VVPAT સ્લિપ સાથે સરખાવવામાં આવે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે માંગ કરી હતી કે તમામ VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવે. તેના પર કોર્ટે કહ્યું હતું કે ભારત જેવા મોટા દેશમાં આ કેવી રીતે શક્ય છે. પ્રશાંત ભૂષણે જર્મની જેવા દેશનું ઉદાહરણ આપતા કહ્યું કે ત્યાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવામાં આવે છે. તેના પર જજે કહ્યું કે ત્યાંની વસ્તી માત્ર 6 કરોડ છે.