વીજળી બિલ થશે મોંઘા! સુપ્રીમ કોર્ટે કિંમત વધારવા માટે આપી લીલી ઝંડી

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વીજળીના બિલમાં વધારો થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વના કેસની સુનાવણી દરમિયાન દિલ્હીમાં વીજળી દરમાં વધારાને મંજૂરી આપી છે. જોકે, કોર્ટે આ વધારો વાજબી અને ઉપભોક્તાઓ માટે સસ્તો હોવો જોઈએ તેવી શરત મૂકી છે. આ નિર્ણયની અસર માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ વીજળી દરો વધારાની અસર જોવા મળી શકે છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી વીજળી નિયામક આયોગ (DERC) ને આદેશ આપ્યો છે કે તે વીજળીના દરમાં વધારો કેવી રીતે, ક્યારે અને કેટલો કરવો તેનો રોડમેપ તૈયાર કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વધારો દિલ્હીના તમામ પ્રકારના ઉપભોક્તાઓ, એટલે કે ઘરેલું, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઉપભોક્તાઓ પર લાગુ થશે. આ નિર્ણય વીજળી વિતરણ કંપનીઓના લાંબા સમયથી બાકી ચૂકવણાંઓના મુદ્દે ચાલી રહેલા કેસના સંદર્ભમાં આવ્યો છે.
આખી વાત એમ છે કે, આ મુદ્દો વીજળી આપતી કંપનીઓના બાકી ચૂકવણાઓ, જેને ‘નિયામક સંપત્તિઓ’ (Regulatory Assets) તરીકે ઓળખવામાં આવે છે, તેની સાથે સંકળાયેલો છે. આ બાકી ચૂકવણા વીજળીની ખરીદી અને વેચાણ ખર્ચને કારણે થયેલા નુકસાનનો ભાગ છે, જે રાજ્ય સરકારો અને ઉપભોક્તાઓએ ચૂકવવાનો હોય છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે આવી તમામ બાકી નિયામક સંપત્તિઓ ચાર વર્ષની અંદર નિકાલ કરવો જોઈએ. આનો અર્થ એ થયો કે દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં, જ્યાં આવા બાકી ચૂકવણા દાયકાઓથી પડતર છે, ત્યાં આગામી ચાર વર્ષમાં વીજળીના દરમાં વધારો થશે.
સૂત્રો પાસેથી મળતી આંકડાકિય માહિતી પ્રમાણે દિલ્હીમાં આ બાકી ચૂકવણાઓની રકમ 17 વર્ષથી એકઠી થઈને 20,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જ્યારે તમિલનાડુમાં આ રકમ 2024 સુધીમાં 87,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ નિર્ણયની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે, જ્યાં વીજળી વિતરણ કંપનીઓના બાકી ચૂકવણાઓ પડતર છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય વીજળી નિયામક આયોગો અને APTEL (એપ્ટેલ) ને તેમની નિયામક જવાબદારીઓમાં નિષ્ફળ રહેવા બદલ ઠપકો પણ આપ્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી કે આવા બાકી ચૂકવણાઓની અસમાન વૃદ્ધિ આખરે ઉપભોક્તાઓ પર આર્થિક બોજ નાખે છે.
વીજળી નિયામક આયોગો ટેરિફ નિર્ધારણ દ્વારા વીજળી વિતરણ કંપનીઓ દ્વારા ઉપભોક્તાઓ પાસેથી વસૂલવામાં આવતી મહત્તમ કિંમત નક્કી કરે છે. જોકે, વીજળીની ખરીદી અને વિતરણનો ખર્ચ ઘણીવાર ઉપભોક્તાઓ પાસેથી વસૂલાતી રકમ કરતાં વધુ હોય છે, જેના કારણે કંપનીઓને નુકસાન થાય છે. આ નુકસાનને ‘નિયામક સંપત્તિઓ’ તરીકે ગણવામાં આવે છે, જેનું ચૂકવણું પાછળથી રાજ્ય સરકારો અથવા ઉપભોક્તાઓ દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે આવા બાકી ચૂકવણાઓને રોકવા માટે નીતિઓ અને નિયમોનું યોગ્ય અમલીકરણ જરૂરી છે, નહીં તો તેનો બોજ ઉપભોક્તાઓ પર પડે છે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટનો અભૂતપૂર્વ નિર્ણય, હાઈકોર્ટના જજને ક્રિમિનલ કેસોમાંથી દૂર કર્યા