સુપરસ્ટાર રજનીકાંતને UAE સરકારે આપ્યા ગોલ્ડન વિઝા, અભિનેતાએ વીડિયો શેર કરી આભાર માન્યો

નવી દિલ્હી: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને UAEના સંસ્કૃતિ અને પર્યટન વિભાગ દ્વારા ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. અભિનેતાએ આ સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરીને તેના ચાહકોને જાણ કરી છે. રજનીકાંત તાજેતરમાં અબુધાબી ગયા હતા.
અભિનેતાને ત્યાં આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન માટે રજનીકાંતે સરકાર અને લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમએ યુસુફ અલીનો તેમના પ્રયાસો માટે આભાર માન્યો છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.
રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે UAE સરકાર તરફથી મળેલા ગોલ્ડન વિઝા માટે અબુ ધાબી સરકારનો આભાર માની રહ્યા છે. તેમજ અત્યંત સન્માનની લાગણી અનુભવે છે. સુપરસ્ટારે વીડિયોમાં કહ્યું હતું કે, “અબુ ધાબી સરકાર તરફથી પ્રતિષ્ઠિત UAE ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છું.”
આ પણ વાંચો: સાઉથના સુપરસ્ટાર ધનુષના છૂટાછેડા: ઐશ્ર્વર્યા રજનીકાંત સાથે લગ્નજીવનનો અંત
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. આ સમાચારથી રજનીકાંતના ફેન્સ ઘણા ખુશ થઈ ગયા છે.
આ ગોલ્ડન વીઝા શું છે?
દરેક દેશ અલગ-અલગ પ્રકારના વીઝા આપે છે. દરેક દેશ પોતાની જરૂરિયાત અનુસાર દરેક વીઝાને અલગ નામ આપે છે. તેમાંથી એક છે યૂએઈનો ગોલ્ડન વીઝા. આ વીઝાનો એક પ્રકાર છે, જે યૂએઈ જનારા વિદેશી નાગરિકોને સામાન્ય વીઝા કરતાં અનેક પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. ગોલ્ડન વીઝા ધરાવનાર લોકો યૂએઈમાં કોઈપણ મુશ્કેલી વિના 10 વર્ષ સુધી રહી શકે છે. 10 વર્ષ પૂરાં થઈ ગયા પછી આ વીઝાધારકે તેને રિન્યૂ કરાવવો પડે છે.
ગોલ્ડન વીઝાધારક સામાન્ય વીઝાધારકોની અપેક્ષાએ યૂએઈમાં વધારે સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે. જેમ કે જો કોઈ યૂએઈમાં બિઝનેસ કરે છે અને તેની પાસે ગોલ્ડન વીઝા છે તો તે કોઈપણ સ્થાનિક વ્યક્તિ કે કંપનીની સહાયતાથી પોતાની પત્ની/પતિ અને બાળકોને યૂએઈ લઈ જઈ શકે છે. અત્યાર સુધી તેના માટે સ્થાનિક સ્પોન્સરની જરૂર પડતી હતી.