સાઉથના સુપરસ્ટાર ધનુષના છૂટાછેડા: ઐશ્ર્વર્યા રજનીકાંત સાથે લગ્નજીવનનો અંત
મુંબઈ: મેગા સ્ટાર રજનીકાંતના જમાઇ તેમ જ સાઉથના સુપરસ્ટાર ધનુષ અને તેની પત્ની ઐશ્ર્વર્યાએ એકબીજાથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. બંનેના છૂટાછેડાના સમાચારના કારણે તેમના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. બંનેએ ચેન્નઇની ફેમિલી કોર્ટમાં પોતાના છૂટાછેડા માટેની અરજી દાખલ કરી છે.
ધનુષ અને ઐશ્ર્વર્યા બંનેનો બહોળો ચાહક વર્ગ છે અને તે બંનેને સાથે જોવા માગે છે. જોકે, તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કરતા તેમને કપલ તરીકે પસંદ કરતા તેમના પ્રશંસકો ખૂબ હતાશ થયા છે.
મળેલી માહિતી મુજબ બંનેએ એકબીજાના સંમતિથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. આવતા થોડા દિવસોમાં તેમની અરજીની સુનાવણી અદાલતમાં હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2022માં જ છૂટા થવાનો પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો, પરંતુ હવે તેમણે છૂટાછેડાની અરજી કરતા તેમનો સંબંધ સત્તાવાર રીતે પૂરો થવા જઇ રહ્યો છે.
છૂટા થવાની જાહેરાત કર્યા બાદ પણ તેમણે છૂટાછેડાની સત્તાવાર અરજી ન કરતા તેમના ચાહકોને એવી આશા હતી કે બંને વચ્ચેના મતભેદો દૂર થઇ ગયા હશે અને તેમણે છૂટા થવાનો નિર્ણય માંડી વાળ્યો છે. ધનુષ અને ઐશ્ર્વર્યા વચ્ચે સમજૂતી થઇ ગઇ હોવાની વાત પણ આ દરમિયાન થઇ રહી હતી. જોકે, હવે તેમણે અદાલતમાં છૂટાછેડાની અરજી કરતા તેમના ચાહકો નિરાશ થયા છે અને તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.