નેશનલ

ટીએમસીએ કાર્યક્રમને હાઈજેક કર્યા, કેન્દ્રીય પ્રધાન સુકાંત મજુમદારે મમતા સરકાર પર કર્યાં સવાલો

કોલકાતાઃ ફુલબોટનો મહાન ખેલાડી મેસ્સીનો કોલકાતામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન નાસભાગ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ નાસભાગ મામલે સુકાંતા મજુમદારે ટીએમસી પર આક્ષેપ કર્યો છે. સુકાંતા મજુમદારે આ નાસભાગ માટે ટીએમસીને જવાબદાર ગણાવી અને સાથે સાથે કાર્યક્રમને હાઈજેક કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મેસ્સીને જોવા માટે મોટી સંખ્યામાં આવેલા લોકો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ લોકો સ્ટેડિયમમાં તોડફોડ પણ કરી હોવાના કેટલાક વીડિયો પ્રકાશમાં આવ્યાં છે.

કેન્દ્રીય પ્રધાન સુકાંતા મજુમદારે ટીએમસી પર કર્યાં આક્ષેપો

મેસ્સીના આ કાર્યક્રમ અંગે કેન્દ્રીય પ્રધાન સુકાંતા મજૂદારે વધુમાં કહ્યું કે, ‘આટલો મોટો આંતરરાષ્ટ્રીય ખેલાડી દેશના અલગ અલગ ભાગમાં જઈ રહ્યો છે, પણ ક્યાંય કઈ થયું નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં આજે જે ઘટના બની તે જણાવે છે કે, ટીએમસીએ પશ્ચિમ બંગાળને કેવું બનાવી દીધું છે. આખા કાર્યક્રમને ટીએમસીએ હાઈજેક કરી લીધો હતો. ટીએમસીના સુજીત બોસથી લઈને અરીપ વિશ્વાસ સહિત દરેક પ્રધાનો આ કાર્યક્રમને હાઈજેક કરવામાં લાગેલા હતા’. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય પ્રધાને ટીએઅસી પર રૂપિયા લૂંટવાનો અને ટિકિટની કાળાબજારી કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : કોલકાતાની ધમાલ બાદ હવે મુંબઈમાં મેસીની રવિવારની ઇવેન્ટ યોજાશે?

ગુસ્સે થયેલા ચાહકોએ સોલ્ટ લેક સ્ટેડિયમમાં તોડફોડ કરી

ખાસ કરીને વાત કરવામાં આવે તો, મેસ્સીની એક ઝલક જોવા માટે લોકોએ 10-10 હજાર રૂપિયાની ટિકિટો ખરીદી હતી. મેસ્સી લગભગ પાંચ મિનિટ મેદાનમાં રહ્યો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જેના કારણે ભીડ ગુસ્સે થઈ ગઈ અને તેમણે હોબાળો મચાવ્યો અને સ્ટેડિયમમાં તોડફોડ કરી દીધી હતી. અંતમાં તોડફોડ કરી રહેલા લોકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢવા માટે પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો. આ સાથે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : GOAT India Tour 2025: કેમ Lionel Messiના ફેન્સ ભડક્યા? સ્ટેડિયમમાં કરી તોડફોડ, વીડિયો થયો વાઈરલ…

આ કાર્યક્રમમાં આવેલા લોકોનું કહેવું છે કે, અમે મેસ્સીને જોવા માટે 10-10 હજાર રૂપિયાની ટિકિટ ખરીદી હતી, પરંતુ નેતાઓએ મેસ્સીને ઘેરી લીધો હતો, એટલે મેસ્સી તો અમને જોવા મળ્યો જ નથી. અમારા ટિકિટના રૂપિયા વ્યર્થ ગયાં છે. ગુસ્સે થયેલા ચાહકોએ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં તોડફોડ કરી અને ઇવેન્ટના નબળા સંચાલનનો આરોપ લગાવ્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button