ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક SMART મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: ભારત માટે બુધવાર (1લી મે)ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. ભારતીય નૌકાદળની એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડો (SMART) મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુપરસોનિક મિસાઈલ સિસ્ટમે બુધવારે સવારે ડૉ.એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી ઉડાન ભરી હતી. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, “આ નેક્સ્ટ જનરેશન મિસાઈલ સિસ્ટમ છે, જે લાઇટવેટ ટોરપિડો ડિલિવરી સિસ્ટમ પર આધારિત છે.” તેને DRDO ટીમ દ્વારા જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવી છે.
ભારતીય નેવીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કૈનિસ્ટર-આધારિત મિસાઇલ સિસ્ટમમાં ઘણી આધુનિક સબ-સિસ્ટમનો સમાવેશ થાય છે, જેમાં ટુ-સ્ટેજ સોલિડ પ્રોપલ્શન સિસ્ટમ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ટ્યુએટર સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમ એક હળવા વજનના ટોર્પિડોને પેલોડને સાથે લઈને ઉડવા માટે સક્ષમ છે, તેમાં પેરાશૂટ આધારિત રિલીઝ સિસ્ટમ પણ છે.
આપણ વાંચો: ભારતીય નેવીનું અદભૂત પરાક્રમ, હુતી મિસાઈલ હુમલાનો શિકાર બનેલા તેલ જહાજને બચાવી લીધું
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ મિસાઈલના સફળ પરીક્ષણથી આપણી નૌકાદળની તાકાતમાં વૃધ્ધી થશે. ઉલ્લેખનિય છે કે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમને ગ્રાઉન્ડ મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી.
આ મિસાઈલ લાંબા અંતરના લક્ષ્યાંકોને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ સુપરસોનિક મિસાઈલ આસિસ્ટેડ રીલીઝ ઓફ ટોરપિડોના સફળ પરીક્ષણ બાદ તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે, જેનાથી નૌકાદળની ક્ષમતામાં વધારો થવાની આશા છે.