ટોપ ન્યૂઝનેશનલ

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ

‘મિશન દિવ્યાસ્ત્ર’ માટે મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને આપી શુભેચ્છા

નવી દિલ્હી: સંપૂર્ણ રીતે સ્વદેશી રીતે વિકસિત મલ્ટિપલ ઈન્ડિપેન્ડેન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વેહીકલ (એમઆઈઆરવી) ટેકનોલોજી ધરાવતા અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડ્ડયન પરીક્ષણ ‘મિશન દિવ્યાસ્ત્ર’ સફળ થવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં કહ્યું હતું કે મને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો પર ગર્વ છે.

2022માં પણ ભારતની સૌથી શક્તિશાળી મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે 5500 કિલોમીટરના અંતરે લક્ષ્યને સાધ્ય કરીને પોતાની ક્ષમતા વધારી હતી. આ મિસાઈલ ડીઆરડીઓ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ મિસાઈલની રેન્જને કારણે ચીન અને ઘણા પાડોશી દેશોને ડર છે કે તેમનો આખો વિસ્તાર આ મિસાઈલની પહોંચમાં આવી રહ્યો છે.

વૈજ્ઞાનિક એમ. નટરાજને સૌપ્રથમવાર 2007માં આ મિસાઈલની યોજના બનાવી હતી. મોબાઈલ લોન્ચરનો ઉપયોગ અગ્નિ-5 મિસાઈલ છોડવા માટે થાય છે. તેને ટ્રકમાં ભરીને કોઈપણ જગ્યાએ લઈ જઈ શકાય છે.

અગ્નિ-5 મિસાઈલ (અગ્નિ-5 આઈસીબીએમ)નું પ્રથમ સફળ પરીક્ષણ 19 એપ્રિલ 2012ના રોજ થયું હતું. તે પછી, 15 સપ્ટેમ્બર 2013, 31 જાન્યુઆરી 2015, 26 ડિસેમ્બર 2016, 18 જાન્યુઆરી 2018, 3 જૂન 2018 અને 10 ડિસેમ્બર 2018 ના રોજ સફળ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. અગ્નિ-5 મિસાઈલના સાત સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણોમાં મિસાઈલનું વિવિધ માપદંડો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં આ મિસાઈલ દુશ્મનને નષ્ટ કરવા માટે એક ઉત્તમ હથિયાર હોવાનું સ્પષ્ટ થયું હતું.

અગ્નિ-5ની વિશેષતાઓ

અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે. તે 17.5 મીટર લાંબી છે. તેનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફૂટ છે. તેના પર 1500 કિલોગ્રામ વજનનું પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઈલમાં ત્રણ તબક્કાના રોકેટ બૂસ્ટર છે જે ઉડ્ડયન માટે ઘન ઈંધણનો ઉપયોગ કરે છે. તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે.

એટલે કે તે એક સેક્ધડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે. અગ્નિ-5 મિસાઈલ 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે છે. અગ્નિ-5 મિસાઈલ ચોકસાઈ સાથે લક્ષ્ય પર હુમલો કરી શકે છે. જો લક્ષ્ય તેની જગ્યાએથી 10 થી 80 મીટર દૂર પણ ખસી જાય તો પણ મિસાઈલથી બચવું મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button