શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચ્યા, પરિવારમાં આનંદ અને ગર્વની લાગણી…

લખનઉ: એક્સિઓમ-4 મિશન હેઠળ સ્પેસએક્સનું ફાલ્કન-9 રોકેટ ફ્લોરિડાના કેનેડી અંતરિક્ષ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક તરફ જવા રવાના થયું હતું. આ રોકેટમાં ભારતના શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશ યાત્રીઓ હતા. આજે ફાલ્કન-9 રોકેટમાંથી છૂટી પડેલી શુભાંશુ શુક્લાની ડ્રેગન કેપ્સુલ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે સફળતાપૂર્વક જોડાઈ ગઈ છે. અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાના પરિવારે ડ્રેગન કેપ્સૂલના ડૉકિંગનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
દેશનું ગૌરવ બન્યા શુભાંશુ શુક્લા
અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા એક્સિઓમ-4 મિશનના ગૃપ કેપ્ટન છે. આ તેમના પરિવાર સહિત સમગ્ર દેશ માટે ગર્વ લેવાની બાબત છે. 28.5 કલાકની યાત્રા બાદ આજે તેમણે સફળતાપૂર્વક ડૉકિંગ કર્યું હતું. સાંજે 4.05 વાગ્યાની આસપાસ તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાઈ ચૂક્યા હતા.
અમને અમારા દીકરા પર ગર્વ છે: પિતા શંભુ દયાળ શુક્લા
શુભાંશુના માતા-પિતા સહિત તેના પરિવારે ડૉકિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાળે જણાવ્યું હતું કે, “અમે બહું ખુશ છીએ. સફળ ડૉકિંગ બદલ અમે ભગવાનનો આભાર માનીએ છીએ. અમને તે જોઈને ઘણું સારું લાગ્યું. અમને અમારા દીકરા પર ગર્વ છે.”શુભાંશુની બહેન શુચિ મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ માત્ર મારા માટે જ નહી, પરંતુ દરેક ભારતીય માટે ગર્વની ઘડી છે. આ બહું મહત્ત્વપૂર્ણ પગલું છે. હું પ્રાર્થના કરૂં છું કે આ પગલું પણ જલ્દી આગળ વધે અને તેઓ સલામત રહે.”
સરકારે પણ આપી શુભાંશુ શુક્લાને શુભેચ્છાઓ
દેશનું ગૌરવ બનેલા શુભાંશુ શુક્લાને વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય તરફથી પણ શુભેચ્છાઓ આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, “અભિનંદન… એક્સિઓમ-4નું ડોકીંગ સફળ રહ્યું. શુભાંશુ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની અંદર પગ મૂકવા માટે તૈયાર છે. તેની 14 દિવસની અવકાશ યાત્રા શરૂ થવાની છે. સમગ્ર વિશ્વ ઉત્સાહ અને આશા સાથે જોઈ રહ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, રોકેટ ટેકઓફના થોડા કલાકો પછી, શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી પોતાનો પહેલો સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે, “વાહ… અદ્ભુત યાત્રા હતી… સાચું કહું તો, ગઈકાલે જ્યારે હું લોન્ચપેડ પર કેપ્સ્યુલ ગ્રેસમાં બેઠો હતો, એ વખતે મારા મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો કે, ચાલો જઈએ.” જોકે રાકેશ શર્મા, કલ્પના ચાવલા તથા સુનિતા વિલિયમ્સ બાદ શુભાંશુ શુક્લા અવકાશમાં જનારા ચોથા ભારતીય છે.