માસિક દરમીયાન વિદ્યાર્થીનીઓને મળશે રજા, મધ્ય પ્રદેશની યુનિવર્સિટીનો મોટો નિર્ણય

જબલપુર: મઘ્ય પ્રદેશની આ યુનિવર્સિટી દેશની પહેલી યુનિવર્સિટી હશે જ્યાં વિદ્યાર્થીનીઓના આરોગ્યને ધ્યાનમાં લઇને માસીક દરમીયાન તેમને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરની ધર્મશાસ્ત્ર નેશનલ લો યુનિવર્સિટી (DNLU) એ વિદ્યાર્થીનીઓને માસિક દરમીયાન રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીએ ઓગષ્ટ મહિનાથી શરુ થનાર નવા સત્રથી વિદ્યાર્થીનીઓને રજા આપવાનો જીઆર બહાર પાડ્યો છે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. શૈલેશ એન હાલદીએ આપેલી જાણકારી મુજબ સ્ટુડન્ટ બાર એસોસિએશન દ્વારા વિદ્યાર્થીનીઓને માસિક સમયે રજા આપવાની માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં લઇને આવનારા સેમીસ્ટરથી રજા મંજૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ રજાઓ દરેક સેમીસ્ટરમાં તમામ વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક અને અન્ય મહત્વના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપવામાં આવનાર 6 રજાઓનો એક ભાગ હશે. ત્યારે વિદ્યાર્થીનીઓ માસીક વખતે આ રજાઓનો લાભ લઇ શકશે.
DNLU ના પ્રોફેસર ડો. પ્રવિણ ત્રિપાઠીએ પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે, માસિક વખતે આપવામાં આવનાર રજાઓને કારણે વિદ્યાર્થીનીઓના શારીરિક અને માનસિક આરોગ્ય માટે મદદતો થશે જ. પણ માસિક અંગે સમાજમાં જે ગેરસમજણો વ્યાપેલી છે એ પણ દૂર થશે. તેમણે કહ્યું કે, પ્રાકૃતિક જરુરિયાતોનો સ્વિકાર થવો જોઇએ. આ ઇનિશિએટીવને કારણે આ અંગે લોકોમાં સાક્ષરતા પણ આવશે. આ જ વર્ષે કેરલ યુનિવર્સિટીએ પણ મહિલાઓ માટે વિશેષ માસિક અને મેટરનિટી લીવ મંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. મહિલા વિદ્યાર્થીઓ 6 મહિના માટે પ્રસૂતિની રજાનો લાભ લઇ શકશે. ત્યાર બાદ તેઓ યુનિવર્સિટીમાં પાછી આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલાં સ્પેનની સંસદે માસિક દરમીયાન રજા અંગેનો મોટો નિર્ણય લીધો હતો. માસિક દરમીયાન તિવ્ર વેદનાઓ થતી હોવાથી મહિલાઓને પગાર કાપ્યા વગર રજા આપવાના કાયદાને સંસદે ગુરુવારે મંજૂરી આપી હતી. આવા કાયદાનો અમલ કરનારો સ્પેન એ યુરોપનો પહેલો દેશ છે.