“જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કપડાં ઉતારવા, મહિલાઓને અપશબ્દો કહેવા મજબૂર કરાતા”: તપાસ સમિતિ

બંગાળની જાદવપુર યુનિવર્સિટી (JU) હોસ્ટેલમાં રેગિંગને કારણે વિદ્યાર્થીના મૃત્યુની તપાસ કરવા માટે રચાયેલી સમિતિએ જણાવ્યું છે કે યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં રહેતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના ચહેરાને દિવાલ પર ઘસવા મજબૂર કરાયા હતા અને લાંબા સમય સુધી છાજલીઓ પર ઊભા રહેવાની ફરજ પાડવમાં આવી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં કથિત રીતે રેગિંગના કારણે 10 ઓગસ્ટના રોજ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીના મૃત્યુ બાદ આ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.
ઘણા વિદ્યાર્થીઓ સાથેની વાતચીત બાદ તારણો પર આધારે સમિતિએ રીપોર્ટમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓને કપડા ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી, ત્યાર બાદ પછી છાજલી પર ઊભા રહેવા, ‘દેડકાની જેમ’ કુદવા માટે, તેમના ચહેરાને દિવાલ સાથે ઘસવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સમિતિએ તેના અહેવાલમાં દાવો કર્યો છે કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના સીનીયરો કપડાં ધોવા, તેમના માટે અસાઈન્મેન્ટ લખવા અને મોડી રાત્રે બજારોમાંથી દારૂ, સિગારેટ અને જમવાનું લાવવા સહિત અન્ય ઘણા કામો કરવાની ફરજ પાડવામાં આવતી હતી.
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને નજીકના પોલીસ ક્વાર્ટર્સમાં રહેતી મહિલાઓને અપશબ્દો કહેવા દબાણ કરાતું હતું, અને તેમ કરવાનો ઇનકાર કરવા બદલ વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હતો. યુનિવર્સિટીનો 17 વર્ષીય વિદ્યાર્થી 9 ઓગસ્ટના રોજ હોસ્ટેલના બીજા માળની બાલ્કનીમાંથી પડી ગયો હતો. હોસ્ટેલમાં ગેરકાયદેસર રીતે રહેતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કથિત રીતે તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો. નાદિયા જિલ્લાના વિદ્યાર્થીનું બીજા દિવસે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
સમિતિના સભ્યોએ હાજર અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. જોકે, સમિતિએ પોતાના રિપોર્ટમાં હોસ્ટેલના બીજા માળેથી વિદ્યાર્થીના પડી જવાના ચોક્કસ કારણોની પુષ્ટિ કરી નથી. આ ઘટનાના સંબંધમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.