નેશનલ

ઇઝરાયલના દૂતાવાસ પાસે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન, 200ને અટકાયતમાં લીધા બાદ છોડી દેવાયા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધને બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે. ભારત સરકારે ઇઝરાયલને સમર્થન જાહેર કર્યું હતું, સાથે સાથે ગાઝામાં નિર્દોષ લોકોની હત્યાની ટીકા પણ કરી હતી. ત્યારે સોમવારે વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસની બહાર પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા 200 થી વધુ વિદ્યાર્થીઓને માટે અટકાયતમાં લીધા હતા. જોકે થોડી વાર પછી તેમણે છોડી દેવામાં આવ્યા હતા.

ઇઝરાયલના ગાઝા પર હુમલા સામે વિરોધ પ્રદર્શન કરવા માનસિંહ હોટલ પાસે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ), જામિયા મિલિયા ઈસ્લામિયા અને દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પેલેસ્ટાઈનના લોકો માટે ન્યાયની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ જણવ્યું હતું કે આ પ્રદર્શન માત્ર પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા માટે હતું.

પ્રદર્શનકારીઓને ડૉ. એપીજે અબ્દુલ કલામ માર્ગ પર આવલા ઈઝરાયલના દુતાવાસ સુધી ન પહોંચે એ માટે પોલીસે બેરિકેડ ગોઠવી દીધા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ પાસે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન હોવાથી, જ્યારે તેઓએ દૂતાવાસ તરફ જવાનો પ્રયાસ કર્યો, ત્યારે 200 જેટલા વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા, બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યા હતા પોલીસે તેમની સાથે ‘દુર્વ્યવહાર’ કર્યો હતો. જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આઈશી ઘોષે દાવો કર્યો હતો કે પોલીસની કાર્યવાહી દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન, દિશા સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યોએ વિરોધમાં ભાગ લીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button