તમિલનાડુમાં હિન્દી ભાષા પર પ્રતિબંધની તૈયારી! ભાષા વિવાદની આગમાં ઘી હોમાશે

ચેન્નઈ: છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક રાજ્યોમાં ભાષા વિવાદ વકરેલા છે. તામિલનાડુમાં તમિલ ભાષા સામે હિન્દી ભાષાનો વિવાદમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ જંપલાવ્યું હતું, જેના કારણે આ વિવાદ હાઈ પ્રોફાઈલ બન્યો હતો. એવામાં અહેવાલ છે કે તમિલનાડુ સરકાર રાજ્યમાં હિન્દી ભાષા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે, આ માટે રાજ્ય સરકાર વિધાનસભામાં એક બિલ રજૂ કરી શકે છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિન વિધાનસભા સત્રના અંતિમ દિવસે આ બિલ રજૂ કરશે. બિલમાં સમગ્ર તમિલનાડુમાં હિન્દી ભાષામાં હોર્ડિંગ્સ અને હિન્દી ભાષાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈઓ હશે.
DMKના કેન્દ્ર સરકાર પર આરોપ:
તમિલનાડુમાં સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK) કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહી કે સ્થાનિક ભાષાઓ પર હિન્દી લાદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય પ્રધાન સ્ટાલિને કહ્યું હતું કે જો તમિલનાડુ પર હિન્દી લાદવાનો પ્રયાસ ન આવે તો DMK હિન્દીનો વિરોધ નહીં કરે. તેમણે કહ્યું તમિલ લોકો પર હિન્દી ભાષા લાદવી એ તેમના આત્મસન્માન સાથે રમત કરવા સમાન છે.
નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં, તમિલનાડુ સરકારે રાજ્યના બજેટ માટે ભારતીય રૂપિયાના સત્તાવાર સિમ્બોલ ‘₹’ ને બદલે તમિલ અક્ષર ‘ரூ’ નો ઉપયોગ કર્યો હતો.
મુખ્ય પ્રધાન એક કે સ્ટાલિને કહ્યું હતું કે રાજ્ય થ્રી લેન્ગવેજ ફોર્મ્યુલાના નામે ભાજપના હિન્દી અને પછી સંસ્કૃત લાદવાનો પ્રયાસ કરી રહી છે. ટૂ લેન્ગવેજ ફોર્મ્યુલાના (તમિલ અને અંગ્રેજી)ને કારણે રાજ્ય શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, સ્કિલ ડેવલોપમેન્ટ અને રોજગારની તકોના સર્જન મામલે સારું પ્રદર્શન કરી રહ્યું છે.
હિન્દીભાષી લોકોને તકલીફ પડશેલ:
હવે જો તમિલનાડુ સરકાર હિન્દી પર પ્રતિબંધની જોગવાઈ સાથેની બિલ વિધાનસભામાં લાવશે તો વિવાદ ફરી ભડકી શકે છે. ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં 22 ભાષાઓ સામેલ છે, દેશના દરેક નાગરિકને દેશના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાષાના ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આમ તમિલનાડુ સરકાર રાજ્યમાં હિન્દી ભાષા પર કાયદેસર રીતે પ્રતિબંધ લાદી શકે નહીં, પણ ભાષા વિવાને વધુ વેગ મળશે અને તામિલનાડુમાં રહેતા હિન્દીભાષી લોકોને તકલીફ પડી શકે છે.
આપણ વાંચો: બિહાર બાદ મુંબઈમાં મતદાર યાદીનો મામલો ગરમાયોઃ ઠાકરે ભાઈઓએ ચૂંટણી પંચને કર્યા સવાલ