નેતાજી આશીર્વાદ નવદંપતીને આપવા પહોંચ્યા અને સ્ટેજ ધરાશાયી થયું: જુઓ વાયરલ વીડિયો

બલિયા: આજના સમયમાં ઘણા લોકો ધામધૂમથી લગ્ન કર્યા બાદ મેરેજ રિસેપ્શન પણ રાખતા હોય છે. જેમાં દુલ્હા-દુલ્હન માટે એક સ્ટેજ તૈયાર કરવામાં આવે છે. જ્યાં સગાસંબંધીઓ આવીને નવદંપતીને આશીર્વાદ આપે છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બલિયામાં મેરેજ રિસેપ્શન દરમિયાન મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી જતા, વજન વધવાના કારણે અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નેતાજી સ્ટેજ પર પહોંચ્યા અને સ્ટેજ તૂટ્યું
પ્રત્યક્ષદર્શીઓ અને ભાજપના જિલ્લા પ્રમુખ સંજય મિશ્રાના જણાવ્યા અનુસાર, આ અકસ્માતનું મુખ્ય કારણ સ્ટેજ પર હાજર લોકોની મોટી સંખ્યા હતી. સ્ટેજની એક તરફ નૃત્યાંગના નૃત્ય કરી રહી હતી. બીજી તરફ લોકો વારાફરતી નવદંપતીને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા હતા. એવા સમયે રિસેપ્શનમાં મહેમાન તરીકે આવેલા ભાજપના જિલ્લા પ્રમુખ સંજય મિશ્રા, ભૂતપૂર્વ સાંસદ ભરત સિંહ સહિત અનેક સ્થાનિક નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. ત્યારે અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું.
ભાજપના નેતા સંજય મિશ્રાએ જણાવ્યું કે, સ્ટેજ કદાચ યોગ્ય પાયાવિહોણું બનાવવામાં આવ્યું હતું અને વર-વધૂનો સોફા પણ કાર્પેટથી ઢંકાયેલા પ્લાયવુડ બેઝ પર મૂકવામાં આવ્યો હતો. ભીડ વધવાને કારણે સ્ટેજે સંતુલન ગુમાવ્યું અને અચાનક તૂટી પડ્યું હતું. સ્ટેજ તૂટી પડતાં નવદંપતી સહિત બધા જ જમીન પર પડી ગયા હતા, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી.
કોઈને ગંભીર ઈજા નહીં
ઉલ્લેખનીય છે કે, સદનસીબે, ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક બધાને બચાવી લીધા હતા અને કોઈને પણ ગંભીર ઈજા થઈ ન હતી. થોડા સમય માટે કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો, પરંતુ બાદમાં સમારોહ ફરી શરૂ થયો હતો. ભૂતકાળમાં પણ રાજકીય કાર્યક્રમોમાં સ્ટેજ તૂટી પડવાની ઘટનાઓ બની છે, ત્યારે આ ઘટનાએ ફરી એકવાર સલામતીના ધોરણો પર સવાલ ઉઠાવ્યા છે.



